જિલ્લા કલેક્ટર, પોલીસ, RMC અને PGVCL સહિતના વિભાગોનું સંયુક્ત ઓપરેશન : કાચા-પાકા ઝૂંપડાઓ દૂર કરાયા
રાજકોટ શહેરના દક્ષિણ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરની કડક સૂચના બાદ સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર ઝૂંપડાઓ અને કાચા-પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવીને અંદાજે રૂૂ. 10 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, માનનીય જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ સાહેબની સૂચના મુજબ સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેર દક્ષિણ વિસ્તારમાં મવડીના સરકારી સર્વે નંબર 194 પૈકીની ટી.પી. 28, એફ.પી. 48/1 (વલ્લભ વાટિકાની સામે) આવેલી સરકારી પડતર જમીન પર કેટલાક શખ્સો દ્વારા કાચા અને પાકા ઝૂંપડાઓ બાંધીને ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ મામલે તંત્ર દ્વારા અગાઉ જમીન મહેસૂલ કાયદાની કલમ 202 હેઠળ દબાણકર્તાઓને નોટિસ ફટકારીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
22/06/2026ના રોજ પ્રાંત અધિકારી (રાજકોટ શહેર-1) અજય ઝાંપડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવા માટે એક સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા ડિમોલિશન ડ્રાઇવમાં મામલતદાર (રાજકોટ શહેર દક્ષિણ), સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર અને તલાટીની સમગ્ર ટીમ જોડાઈ હતી.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કામગીરીમાં ફાયર વિભાગ, મેડિકલ ટીમ, પીજીવીસીએલ (PGVCL) અને રાજકોટ મહાનગરપાલિકાની (RMC) ટીમ પોતાની ભારે મશીનરી (જેસીબી, ટ્રેક્ટર વગેરે) સાથે આ ઓપરેશનમાં જોડાઈ હતી.
તંત્રની આ સંયુક્ત અને અસરકારક કામગીરીના અંતે અંદાજે 4500 ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જમીન પરથી તમામ દબાણોનો સફાયો કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ મુક્ત કરાવાયેલી જમીનની બજાર કિંમત અંદાજે 10 કરોડ રૂૂપિયા જેટલી થવા જાય છે. વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
