ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત (FAA Gujarat) દ્વારા કોચિંગ એસોસિએશન ઓફ રાજકોટના યજમાનપદે આજે રાજકોટના ઘંટેશ્વર પાર્ક ખાતે રાજ્યકક્ષાની સમન્વય બેઠક યોજાઈ હતી. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરોમાંથી 30થી વધુ ઘટક સંઘોના 100થી વધુ પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં મુખ્યત્વે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત ટ્યુશન એક્ટ, કોચિંગ ક્ષેત્ર પર તેની અસર તથા વ્યવહારુ અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ સમન્વય બેઠકમાં ચેરમેન હેમાંગ રાવલ, પ્રમુખ હેમંત સોલંકી, ડેપ્યુટી પ્રેસિડેન્ટ રજનીકાંત ગોટી, જનરલ સેક્રેટરી લખન પટેલ, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ મકવાણા, ખજાનચી પાર્થિવ ત્રિવેદી, સહ ખજાનચી સુનિલ રૂૂપારેલ, પ્રદેશ પ્રમુખ જંકૃત આચાર્ય, ચીફ એડવાઈઝર વિજય મારુ એડવાઈઝરી વિજય જોબનપુત્રા, અશ્વિન કોટેચા, વિજય ખખ્ખર, સમીર ગજ્જર, સૌરાષ્ટ્ર પ્રભારી ડેનિશ ભાલોડીયા, સહ પ્રભારી જય ચૌહાણ, મધ્ય ગુજરાત પ્રભારી પ્રણાય શુક્લા સહિત કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ફેડરેશન ઓફ એકેડેમિક એસો.ની મુખ્ય માંગો
1. 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ અંગે સ્પષ્ટ જોગવાઈ:
16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવતી કોચિંગ વ્યવસ્થામાં પ્રવેશ ન આપવાની સ્પષ્ટ જોગવાઈ ટ્યુશન એક્ટમાં કરવામાં આવે તેવી ફેડરેશનની માગ છે.
2. ડમી સ્કૂલ અને ડે-સ્કૂલ કલ્ચર પર નિયંત્રણ:
ડમી સ્કૂલ, ડે-સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલના વધતા કલ્ચરને રોકવા માટે શાળાના નિયત સમયમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તે જ સમય દરમિયાન ટ્યુશન ક્લાસમાં હાજરી આપવાની મંજૂરી ન હોવી જોઈએ અને આ નિયમનો કડક અમલ થવો જોઈએ.
3. ટ્યુશન ક્લાસનો સમય મર્યાદિત કરવો:
વિદ્યાર્થીના શૈક્ષણિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીનો અભ્યાસ સમય દિવસમાં ત્રણ કલાકથી વધુ ન હોય તેવી વ્યવસ્થા કરવામાં આવે.
4. દરેક પ્રકારના ટ્યુશન માટે રજીસ્ટ્રેશન ફરજિયાત:
એક પણ વિદ્યાર્થીને ભણાવવાનું કાર્ય કરવામાં આવતું હોય તો તે ટ્યુશન એક્ટના દાયરામાં આવવું જોઈએ અને આવા તમામ ટ્યુશન પ્રોવાઇડર માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવું જોઈએ. આ જ રીતે ઓનલાઈન શિક્ષણ આપતા ક્લાસિસ અને શિક્ષકો માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવે તેવી ફેડરેશનની માગ છે.
5. નીતિ ઘડતરમાં કોચિંગ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ:
રાજ્યકક્ષાની તેમજ જિલ્લા કક્ષાની સંબંધિત કમિટીઓમાં ફેડરેશનના અધિકૃત બે-બે પદાધિકારીઓને સરકારશ્રી દ્વારા સ્થાન આપવામાં આવે, જેથી ટ્યુશન અને કોચિંગ ક્ષેત્રનો વાસ્તવિક પક્ષ, વ્યવહારુ મુશ્કેલીઓ અને સૂચનો નીતિ ઘડનાર સત્તાવાળાઓ સમક્ષ રજૂ થઈ શકે.
