રાજસ્થાનને હરાવી સુપર ઓવરમાં દિલ્હીનો વિજય

  દિલ્હી કેપિટલ્સે બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2025ની મેચમાં રાજસ્થાન રોયલ્સને સુપર ઓવરમાં હરાવ્યું હતું. સુપર ઓવરમાં રાજસ્થાને 11 રન કર્યા હતા…

 

દિલ્હી કેપિટલ્સે બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2025ની મેચમાં રાજસ્થાન રોયલ્સને સુપર ઓવરમાં હરાવ્યું હતું. સુપર ઓવરમાં રાજસ્થાને 11 રન કર્યા હતા પરંતુ દિલ્હીએ ફક્ત ચાર બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. સુપર ઓવરમાં દિલ્હી તરફથી કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સ આવ્યા અને સ્ટબ્સે સિક્સ ફટકારીને દિલ્હીને જીત અપાવી હતી.

2022 પછી આ પહેલી વાર છે જ્યારે IPL મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. તેમના છ મેચમાં પાંચ જીત અને એક હાર સાથે 10 પોઈન્ટ છે.

20 ઓવરના અંત પછી દિલ્હી અને રાજસ્થાન વચ્ચેનો સ્કોર બરાબરી પર રહ્યો ત્યારબાદ સુપર ઓવર દ્વારા મેચનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં પાંચ વિકેટે 188 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ અને નીતિશ રાણાની અડધી સદી બાદ રાજસ્થાન સારી સ્થિતિમાં દેખાઈ રહ્યું હતું, પરંતુ ટીમ નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટે 188 રન જ બનાવી શકી હતી. આ રીતે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જોકે, સુપર ઓવરમાં રાજસ્થાન પૂરા છ બોલ પણ રમી શક્યું નહીં અને પાંચ બોલમાં બે વિકેટ ગુમાવી દીધી. આ રીતે દિલ્હીને સુપર ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં.

સુપર ઓવરમાં રાજસ્થાનની ટીમ પહેલા બેટિંગ કરવા આવી. રાજસ્થાન તરફથી શિમરોન હેટમાયર અને રિયાન પરાગ બેટિંગ કરવા આવ્યા જ્યારે દિલ્હીએ ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને બોલ સોંપ્યો હતો. પહેલા બોલ પર કોઈ થયો નહીં અને હેટમાયરે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. હેટમાયરે ત્રીજા બોલ પર એક સિંગલ લીધો અને પરાગ સ્ટ્રાઈક પર આવ્યો. પરાગે ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પરંતુ તેને નો બોલ જાહેર કરવામાં આવ્યો હતો. સ્ટાર્કે ફ્રી હિટ પર વાઈડ બોલ ફેંક્યો પરંતુ પરાગ દોડીને રન આઉટ થઈ ગયો. પરાગ ચાર રન કરીને આઉટ થયો અને યશસ્વી જયસ્વાલ ક્રીઝ પર આવ્યો. બાદમાં હેટમાયરે શોટ ફટકાર્યો અને બે રન માટે દોડ્યો. જોકે, ફક્ત એક જ રન પૂર્ણ થયો અને ટીમ સુપર ઓવર પૂર્ણ કરી શકી નહીં. રાજસ્થાને પાંચ બોલમાં 11 રન બનાવ્યા હતા. સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સ તરફથી કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સ ટાર્ગેટને હાંસલ કરવા માટે મેદાનમાં ઉતર્યા. રાજસ્થાને બોલ સંદીપ શર્માને સોંપ્યો હતો. કેએલ રાહુલે પહેલા બોલ પર બે રન લીધા. રાહુલે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર એક સિંગલ આવ્યો અને સ્ટબ્સ સ્ટ્રાઈક પર આવ્યો. સ્ટબ્સે ચોથા બોલ પર સિક્સ ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.

સુપર ઓવરમાં દિલ્હીનો દબદબો
IPL માં અત્યાર સુધીમાં 15 મેચ ટાઇ થઈ છે. સુપર ઓવરમાં દિલ્હીનો રેકોર્ડ સારો છે, તેણે પાંચમાંથી ચાર મેચ જીતી છે. દિલ્હીએ 2021માં સનરાઇઝર્સ હૈદરાબાદ, 2020માં પંજાબ કિંગ્સ, 2019માં કોલકાતા નાઈટ રાઇડર્સ અને 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને હરાવ્યું હતું અને ત્યારબાદ રાજસ્થાનને સુપર ઓવરમાં હરાવ્યું હતું. જોકે, 2013માં તેઓ સુપર ઓવરમાં RCB સામે હારી ગયા. દિલ્હીની ટીમ IPL માં સૌથી વધુ સુપર ઓવર મેચ જીતનારી ટીમ બની ગઈ છે. આ બાબતમાં તેણે પંજાબ કિંગ્સને પાછળ છોડી દીધું, જેણે ચાર મેચમાં ત્રણ વખત સફળતા મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *