અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશોના અમેરિકામાં જતા માલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને 2 એપ્રિલની તારીખ પણ નક્કી કરી નાંખી છે. 2 એપ્રિલ આડે હવે આંગળીના વેઠે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. ભારત સરકાર ટ્રમ્પને ટેરિફ નહીં લાદવા વિનવી રહી છે અને મંત્રણાઓ પર મંત્રણા કરી રહી છે ત્યારે ટ્રમ્પે ફરી એક વાર ટેરિફની ચાબુક ચલાવી દીધી છે. ટ્રમ્પે ટેરિફના નવા વારમાં અમેરિકામાં આવતા ઓટો સેક્ટરના માલ પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ડોનલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાત હેઠળ અમેરિકામાં આવતી કાર અને કારના પાર્ટ્સ બંને પર 25 ટકા ટેરિફ લાગશે.
વિશ્ર્લેષકોના મતે, ટ્રમ્પની વાતો શેખચલ્લી જેવી છે અને તેનાથી અમેરિકાને ફાયદો નથી થવાનો પણ ભારે નુકસાન થશે. આ પગલાંથી અમેરિકામાં કાર ઉત્પાદન કામચલાઉ રીતે બંધ થશે કેમ કે વિદેશથી મંગાવાતા ઓટો પાર્ટ્સ મોંઘા થશે. અમેરિકન કાર કંપનીઓ મોટા ભાગના ઓટો પાર્ટ્સ અન્ય દેશોમાંથી આયાત કરે છે. કારની કિંમતોમાં વધારો થશે કેમ કે ટેરિફના કારણે ઓટો પાર્ટ્સ મોંઘા પડશે. આ ટેરિફથી વાહન ઉત્પાદકોના ખર્ચમાં વધારો થશે તેથી વેચાણમાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય સાથી દેશો સાથેના સંબંધોમાં તણાવ આવશે.
ટ્રમ્પના નિર્ણયોને જોતા લાગે છે કે, સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ મોડમાં આવી ગયા છે અને અમેરિકાને સરભર ના થાય એવું નુકસાન કરીને જ જંપશે. ટ્રમ્પ એકદમ અહંકારી રીતે વર્તી રહ્યા છે અને દુનિયાના બધા દેશોને પોતાની ગરજ હોવાથી પોતાના પગમાં આળોટી જશે એવું માને છે. ટ્રમ્પનો આ બહુ મોટો ભ્રમ છે અને આ ભ્રમ દૂર થાય એ જરૂૂરી છે. એ માટે ટ્રમ્પની દાદાગીરીનો ભોગ બનેલા દેશોએ એક થવું પડે. અમેરિકાની વસતી 35 કરોડ છે અને અમેરિકા સમૃદ્ધ દેશ છે તેથી બહુ મોટું બજાર છે એ છે એ સાચું પણ ટ્રમ્પ દાદાગીરી કર્યા કરે તો તેમને બાજુએ મૂકીને બધા દેશોએ એકબીજા માટે પોતપોતાનાં બજારો ખોલવાં પડે. તેના કારણે આર્થિક રીતે ફટકો પડશે એટલે અમેરિકાની સાન આપોઆપ ઠેકાણે આવશે.