રાજકોટ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર ચંદ્રેશ પાર્કમાં રહેતા સંતોષ ભેળના ધંધાર્થીએ પત્ની અને માતાના ત્રાસથી કંટાળી રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલા બગીચામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
જાણવા મળતી વિગત મુજબ બીગબજાર પાછળ ચંદ્રેશ પાર્કમા રહેતા વિમલ છગનભાઇ ટાંક (ઉ.વ.30) નામના યુવાને 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલા તુલસીબાગ બગીચામાં ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સંતોષ ભેળના ધંધાર્થી વિમલ ટાંકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનીવર્સીટી પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં વિમલભાઇ એક ભાઇ બે બહેનમાં નાના અને બીગબજાર પાસે સંતોષ ભેળ નામની દુકાન ધરાવતા હતા. તેમને સંતાનમા એક પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. વધુ તપાસમાં તેના પત્ની સ્વાતીબેન અને માતા વાસંતીબેનના ત્રાસથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ હતુ. વિમલભાઇ ઉપર 40 લાખનુ દેણુ થઈ ગયુ હોય આમ છતા થોડા દિવસ પહેલા રૂૂ.1 લાખ વ્યાજે લઈ આવી ઘરમાં આપ્યા હતા જે પૈસા પત્ની અને માતાએ વાપરી નાખ્યા હોય અને અવાર નવાર નાણા બાબતે ઝઘડો કરી ત્રાસ આપતા હોવાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે યુનીવર્સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
