મોરબીના નીચી માંડલ ગામની કેનાલમાં વહેલી સવારે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ નીચી માંડલનાં સરપંચ પ્રદીપભાઈ કુંડારિયા જોઈ જતા તુરંત જ 101 ફાયર કંટ્રોલ રૂૂમને જાણ કરી હતી. જેથી મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
ઘટનાની વિગતો મુજબ, નીચી માંડલ ગામના સ્મશાન રોડ પર આવેલા મેલડી માતાજીના મંદિર પાસેની કેનાલમાં મૃતદેહ જોવા મળ્યો હતો. ફાયર ટીમે મૃતદેહને બહાર કાઢ્યા બાદ સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે મોરબી તાલુકા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. હાલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી મૃતક વ્યક્તિ કોણ છે અને તેનું મોત ડૂબી જવાથી થયું છે કે અન્ય કારણોસર, તે અંગે તપાસ હાથ ધરી છે
પતરૂ તૂટતા શ્રમિકનું મૃત્યુ
મોરબીના રંગપરમાં આવેલા સિરામિક કારખાનામાં કામ કરતી વેળાએ પતરું તૂટી જવાના કારણે નીચે પટકાતા યુવાનનું મોત થયું હતું. ઘટનાની વિગતો અનુસાર રંગપરમાં આવેલ સ્પારકોસ સીરામીકમાં કામ કરતી વખતે પતરું તૂટી જવાના કારણે 18 થી 20 ફુટની ઉંચાઇએથી નીચે પડી જતા ઇરફાનભાઇ મહેબુબભાઇ સમાને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
