રાજ્ય સરકારે ગામડાના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે જિલ્લા વિકાસ અધિકારીઓ (ડીડીઓ) માટે નવી જવાબદારી નક્કી કરી છે. હવે દરેક ડીડીઓએ સપ્તાહમાં ઓછામાં ઓછા બે દિવસ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવી અને દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા બે કલાક વિતાવીને વિકાસ કામોની સ્થળ પર સમીક્ષા કરવી ફરજિયાત બનાવી છે.
વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લાઓને 15 મુદ્દાઓનું વિશેષ ચેકલિસ્ટ મોકલવામાં આવ્યું છે. આ ચેકલિસ્ટમાં માળખાકીય સુવિધાઓ સાથે વહીવટી અને નાણાકીય પારદર્શિતાના મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ડીડીઓએ ગામની મુલાકાત દરમિયાન દરેક મુદ્દાની ચકાસણી કરી, ગુણવત્તાનું મૂલ્યાંકન કરીને વિગતવાર અહેવાલ તૈયાર કરવો અને સમયસર સરકારને સુપ્રત કરવો ફરજિયાત રહેશે.
સરકારનું માનવું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પીવાનું શુદ્ધ પાણી, આંતરિક રસ્તા, ગટર વ્યવસ્થા અને સ્વચ્છતા જેવા મૂળભૂત પ્રશ્નો યથાવત છે. આ સમસ્યાઓનો વાસ્તવિક આંકડો માત્ર કાગળ પર નહીં પરંતુ સ્થળ પર જઈને સમજવો જરૂૂરી છે. તેથી અધિકારીઓને માત્ર નિરીક્ષણ પૂરતું નહીં પરંતુ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
નવી માર્ગદર્શિકા મુજબ ડીડીઓએ આ બાબતો પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. પીવાના પાણીની ગુણવત્તા અને પુરવઠાની સ્થિતિ, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, આંતરિક રસ્તાઓની હાલત, સ્વચ્છતા અને ઘન કચરા વ્યવસ્થાપન, સામુદાયિક કામોની ગુણવત્તા અને ટકાઉપણું, વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓના પ્રતિભાવ, પંચાયતની નાણાકીય શિસ્ત અને પારદર્શિતા સચિવાલયના પંચાયત વિભાગના સૂત્રો મુજબ, મળનારા અહેવાલોની રાજ્ય સ્તરે સમીક્ષા કરીને જરૂૂર જણાય ત્યાં નીતિગત સુધારા કરવામાં આવશે. ગ્રામ્ય વિકાસની યોજનાઓ વાસ્તવિક જરૂૂરિયાતોને અનુરૂૂપ બને તે માટે આ સમગ્ર કવાયત હાથ ધરાઈ છે.
