પોલિસને જોઇ ડ્રાઇવર બદલવા કોશિશ કરી હતી
એક તરફ જાહેરાત કરવામાં આવી હતી કે ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વોર્નર ભારતના ઑલરાઉન્ડ-લેજન્ડ યુવરાજ સિંહ તેમ જ સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સ સાથે આગામી ઑક્ટોબરની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ રમતો જોવા મળશે ત્યાં સમાચાર મળ્યા હતા કે વોર્નરને સાડાચાર મહિના પહેલાંના ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ કિસ્સામાં ગુનેગાર ઠરાવવામાં આવ્યો છે અને તેને 1,500 ઑસ્ટ્રેલિયન ડોલર (અંદાજે એક લાખ રૂૂપિયા)નો દંડ કરવામાં આવ્યો છે. 39 વર્ષના ક્રિકેટર વોર્નરે પોતાની કાર ફરી ચલાવતાં પહેલાં એમાં ઇન્ટરલોક ડિવાઇસ બેસાડવું પડશે, એવું અદાલતે ઠરાવ્યું છે. આ એવું ડિવાઇસ છે જે કારમાં બેસાડવામાં આવતાં ડ્રાઇવરે દારૂૂ પીને કાર ચલાવવાની તૈયારી કરી લીધી હોવાનું જો ડ્રાઇવરની સિસ્ટમમાં આવી જાય તો એ કાર ચાલુ જ ન થાય.
વોર્નરે એક ચાલાકી કરી હતી જેને પોલીસે પકડી પાડી હતી. તેણે મર્યાદાની બહાર દારૂૂ પીને કાર ચલાવી હતી. એક રસ્તા પર પોલીસે જ્યારે તેની કાર અટકાવી એની થોડી વાર પહેલાં તેણે જે તરકીબ અજમાવી એમાં તે સફળ નહોતો થયો. ટ્રાફિક પોલીસના કર્ચમારીઓ દૂર ઊભા હોવાની જાણ થતાં જ વોર્નરે તેની કારમાં બેઠેલી મહિલા સાથે સીટ બદલવાની કોશિશ કરી હતી. જોકે પોલીસે તેની ચાલાકી પકડી પાડી હતી અને તે જ કાર ચલાવી રહ્યો હોવાનું કહ્યું હતું. વોર્નરે પછીથી ગુનો કબૂલ્યો હતો.
