મવડી પ્લોટમાં શ્રીનાથજી સોસાયટીનો બનાવ
શહેરના મવડી પ્લોટમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતી મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રીએ પ્રેમ લગ્ન કરી લીધાના આઘાતમાં માતાએ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં કાજલબેન દિપકભાઈ રાઠોડ (ઉ.40) નામના મહિલાએ આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેની નાની પુત્રી રૂમમાં જતાં માતા લટકતી હાલતમાં મળી આવ્યા હતાં. બનાવની જાણ થતાં માલવીયા નગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કાજલબેનને સંતાનમાં બે પુત્રી છે અને પતિ માર્કેટીંગનું કામ કરે છે.
હાલમાં પતિ દીવ માર્કેટીંગના કામ સબબ ગયા હતાં ત્યારે પાછળથી તેમણે આ પગલું ભરી લીધું હતું. વધુ તપાસમાં તેની મોટી પુત્રીએ પાંચ મહિના પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હોય જેના આઘાતમાં તેમણે આપઘાત કરી લીધાનું ખુલવા પામ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે. મહિલાએ આપઘાત કરી લેતા તેની પુત્રીએ વલોપાત કરી મુકયો હતો જેથી પરિવારજનો પણ દોડી આવ્યા હતાં અને મહિલાને ઉતારી પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
