ગોંડલના બીલીયાડા ગામે ટ્રક પર ચડી બારદાનની ગણતરી કરતો યુવાન અકસ્માતે ટ્રક પરથી ગબડી પડ્યો હતો. નીચે પટકાયેલા યુવકનું ગંભીર ઇજા પહોચવાથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલા મહાકાળીનગરમાં રહેતો ગૌરવ ઉર્ફે વિજય ભૂપતભાઇ ગોહેલ નામનો 38 વર્ષનો યુવાન ગઇકાલે ગોંડલના બીલીયાડા ગામે ટ્રક ઉપર ચડી બારદાનની ગણતરી કરતો હતો ત્યારે અકસ્માતે ટ્રક પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ગૌરવ ઉર્ફે વિજય ભૂપતભાઇ ગોહેલ બે ભાઇ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે. મૃતક યુવાન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઉપરોકત બનાવ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
