ડી-માર્ટને થેલીના રૂા.8 વસૂલાત સામે 10 હજારનો દંડ

સુપરમાર્કેટ અને રિટેલ સ્ટોર્સ દ્વારા ગ્રાહકો પાસેથી પોતાના બ્રાન્ડ નેમ કે લોગો ધરાવતી કેરી બેગના નાણાં વસૂલવાની પદ્ધતિ સામે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ…

સુપરમાર્કેટ અને રિટેલ સ્ટોર્સ દ્વારા ગ્રાહકો પાસેથી પોતાના બ્રાન્ડ નેમ કે લોગો ધરાવતી કેરી બેગના નાણાં વસૂલવાની પદ્ધતિ સામે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ (સ્ટેટ ક્ધઝ્યુમર કમિશન)એ સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે. ડી-માર્ટ સ્ટોર્સનું સંચાલન કરતી એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડની અપીલ ફગાવી દેતાં કમિશને સ્પષ્ટ કર્યું કે, કંપની પોતાના બ્રાન્ડ પ્રમોશન માટે ઉપયોગમાં લેવાતી બેગ માટે ગ્રાહકો પર ચાર્જ થોપી શકે નહીં. ગ્રાહકને સંમતિ વિના કંપનીની ’ચાલતી-ફરતી જાહેરાત’ (મુવિંગ એડવર્ટાઈઝમેન્ટ) બનાવી દેવી અને તેના પણ પૈસા વસૂલવા એ અન્યાયી વેપાર પદ્ધતિ (અનફેર ટ્રેડ પ્રેક્ટિસ) છે. કમિશને નીચલી ફોરમના નિર્ણયને યોગ્ય ઠેરવી ગ્રાહકને રૂૂ. 10,000નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

સમગ્ર વિવાદ જુલાઈ 2019નો છે, જ્યારે અમદાવાદના રહેવાસી સોનલ વ્યાસે સ્થાનિક ડી-માર્ટ આઉટલેટમાંથી આશરે રૂૂ. 4,000ની ઘરવખરી અને કરિયાણાની ખરીદી કરી હતી. બિલિંગ કાઉન્ટર પર ડી-માર્ટનું બ્રાન્ડિંગ અને લોગો ધરાવતી કેરી બેગ માટે તેમની પાસેથી અલગથી રૂૂ. 8 વસૂલવામાં આવ્યા હતા. ગ્રાહકે સેલ ઓફ ગુડ્સ એક્ટ હેઠળ આક્ષેપ કર્યો હતો કે વેચાણકર્તાની પ્રાથમિક જવાબદારી બને છે કે તે ખરીદેલો સામાન ગ્રાહક ઘરે આસાનીથી લઈ જઈ શકે તેવી સ્થિતિમાં સોંપે અને આ માટે ફરજિયાતપણે અલગથી પેકેજિંગ કે કેરી બેગ ખરીદવા દબાણ ન કરી શકાય. આ મામલે ગાંધીનગર જિલ્લા ગ્રાહક પંચે વર્ષ 2020માં ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપી રૂૂ. 6,000નું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

જિલ્લા ફોરમના હુકમ સામે ડી-માર્ટે સ્ટેટ કમિશનમાં અપીલ કરતાં દલીલ કરી હતી કે કેરી બેગ એ સ્વતંત્ર પ્રોડક્ટ છે અને તે નજીવી કિંમતે વેચવામાં આવે છે. સ્ટોરમાં ડિસ્પ્લે બોર્ડ લગાવીને ગ્રાહકોને પોતાની થેલી સાથે લાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. જોકે, સ્ટેટ કમિશને કંપનીની આ તમામ દલીલો ફગાવી દીધી હતી.
કમિશને નોંધ્યું કે કેરી બેગ પર કંપનીનો લોગો અને નામ મોટા અક્ષરે છપાયેલું હોવાથી ગ્રાહક જાહેર સ્થળોએ તે લઈને ફરે ત્યારે કંપનીને સતત વ્યાવસાયિક પબ્લિસિટી મળે છે. કંપનીના પોતાના પ્રમોશનલ ટૂલ માટે ગ્રાહક પાસેથી નાણાં વસૂલવા તદ્દન ગેરવાજબી છે.

ચુકાદામાં કમિશને વધુમાં ટાંક્યું કે, વ્યક્તિગત દ્રષ્ટિએ રૂૂ. 8ની રકમ નજીવી લાગી શકે, પરંતુ સુપરમાર્કેટ લાખો ગ્રાહકો પાસેથી આ રીતે નાણાં ઉઘરાવીને કરોડો રૂૂપિયાનો અનધિકૃત નફો રળે છે અને પોતાના માર્કેટિંગનો ખર્ચ ખરીદદારોના માથે નાખી દે છે. ગ્રાહક સુરક્ષા અધિકારોને માત્ર વિવાદિત રકમના આધારે માપી શકાય નહીં. ગ્રાહક પાસેથી સામાન સલામત રીતે લઈ જવા માટે કેરી બેગ આપવી એ સ્ટોરની મૂળભૂત સેવાનો ભાગ છે, નહીં કે નફો કમાવવાનો વધારાનો સ્ત્રોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *