બંગાળની ખાડીમાં સર્જાયેલું ભીષણ ચક્રવાતી તોફાન ’અકવાન’ આજે સવારે ઓડિશાના ગોપાલપુર કિનારા નજીક ત્રાટક્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે અને બપોર સુધીમાં તે નરસાપુર અને પુરી વચ્ચે, ખાસ કરીને ઉત્તર આંધ્ર પ્રદેશ, યનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ભારે તબાહી મચાવે તેવી શક્યતા છે. ઈરાન દ્વારા સૂચવવામાં આવેલા આ ’અકવાન’ વાવાઝોડાને કારણે 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે ’ઝીરો ડેથ’ના લક્ષ્ય સાથે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી છે. વિશેષ રાહત કમિશનર (SRC)ના જણાવ્યા પ્રમાણે, સંવેદનશીલ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 2,98,676 એટલે કે અંદાજે ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જેમાં 4,000 થી વધુ ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ઓડિશાના આપત્તિ વ્યવસ્થાપન મંત્રીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ચક્રવાત દરમિયાન ભૂસ્ખલન એક મોટો પડકાર બનીને સામે આવ્યું છે. તંત્ર દ્વારા ગંજામ, ગજપતિ, કંધમાલ, કોરાપુટ અને મલકાનગિરી એમ પાંચ જિલ્લાઓમાં ભૂસ્ખલનની આશંકા ધરાવતા 941 સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી સૌથી વધુ 211 સ્થળો ગજપતિ જિલ્લામાં છે.
વાવાઝોડાની અસરને પગલે હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ અને વિજયનગરમ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે પાર્વતીપુરમ મન્યમ, અલ્લૂરી સીતારામ રાજૂ અને અનકાપલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તથા કાકીનાડામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
ચક્રવાતી તોફાનના પગલે સાવચેતીના ભાગરૂૂપે રેલવે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. ઈસ્ટ કોસ્ટ રેલવેએ 41 ટ્રેનો રદ કરી છે અને 29 ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે, જ્યારે સાઉથ ઈસ્ટર્ન રેલવેએ 28 એક્સપ્રેસ ટ્રેનો રદ કરતાં કુલ 69 ટ્રેનોના પૈડાં થંભી ગયા છે.
બીજી તરફ, પુરી સ્થિત જગન્નાથ મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓને હવામાનની સ્થિતિ જોઈને જ યાત્રાનું આયોજન કરવા અપીલ કરી છે. જોકે જગન્નાથ મંદિરમાં નિત્ય પૂજા-અર્ચના રાબેતા મુજબ ચાલુ રહેશે, પરંતુ સુરક્ષાના કારણોસર પુરીનું ગુંડિચા મંદિર 19 થી 21 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
