સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા લાંબા સમયથી વીજ બીલ ન ભરનાર સામે આગામી તા.25 ફેબ્રુઆરીથી મેગા ડીસ-કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી બાકી વીજ કનેકશન ધારકોએ તાત્કાલિક વીજ બિલ ભરી દેવા વીજ તંત્રએ જણાવ્યું છે, બાકી રી-કનેકશન ચાર્જ વસૂલી વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે.
મેગા ડીસ-કનેકશન ડ્રાઈવ દરમ્યાન ડિફોલ્ટર ગ્રાહકોના વીજજોડાણોને ફક્ત ડીસ કનેકશન જ કરવામાં આવશે. સ્થળ પર વીજ બીલના નાણાં સ્વીકારવામાં આવશે નહી. બાકી બીલના નાણાં સબ ડીવિઝન ઓફીસ પર આવીને 100 ટકા બીલની ભરપાઈ કરવાની રહેશે. તેમજ નિયમ અનુસાર રી-કનેકશન ચાર્જ વસૂલી વીજજોડાણ ચાલુ કરવામાં આવશે. જેથી બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્કાલીક ધોરણે તા.25 ફેબ્રુઆરી પહેલા ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે.
જેથી પાવર બંધ થવાથી થતી તકલીફ તથા વધારાના ભરવા પડતા ચાર્જમાંથી મુક્ત રહી શકાય. વીજ ગ્રાહકોને વીજ બીલ ભરવા માટે વિવિધ માધ્યમો જેવા કે, ઈ.સી.એસ., ડેબીટ કાર્ડ-ક્રેડી8 કાર્ડ, પીજીવીસીએલની પેટાવિભાગીય કચેરીના ખાતેના પીઓએસ મશીન દ્વારા, યુપીઆઈ મોડથી, ઈન્સ્ટા પેમેન્ટ, ઈ-વોલેટ તેમજ ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઈટ મારફત, એ.ટી.એમ.મશીન અને આરટીજીએસ-એનઇએફટી મારફતે ભરી શકશે.
પીજીવીસીએલના સુત્રોના કહેવા મુજબ રૂા.25 હજારથી વધુ રકમના વીજપીલ બાકી હોય તેવા 4.50 લાખ જેટલા ગ્રાહકો છે. આવા વિજ ગ્રાહકોને બાકી બિલ ભરી દેવા અંતિમ તાકીદ કરવામાં આવી છે અને ન ભરે તો તા.25મીથી પોલીસ બંદોબસ્ત સાથે વીજજોડાણો કાપવા ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
ભાયાવદર
ઉપલેટા ના ભાયાવદર પીજીવીસીએલ સબડિવિઝન ના ડેપ્યુટી ઇન્જિનિયર મોદીની યાદી મુજબ રાજકોટ જિલ્લા ના તમામ વીજ ગ્રાહકો માટે એક ચેતવણી રિલીઝ કરવામાં આવેલ છે જેમાં જે વીજ ઉપાભોકતા ગ્રાહકોએ લાઈટબીલ ની રકમ સમયસર ભરપાઈ નથી કરેલ તેવા તમામ ગ્રાહકો માટે આગામી પચીસ ફેબ્રુઆરી ની ડેડલાઇન જાહેર કરી સોસીયલ મીડિયા મારફતે ચેતવણી આપવામાં આવેલ છે. અન્યથા પીજીવીસીએલ ના કર્મચારીઓ આવા ગ્રાહકોના કનેક્શન કાપી નાખશે અને જયારે રકમ ભરપાઈ થશે ત્યાર બાદ જ ફરી કનેકશન જોડવામાં આવશે.
જામનગર
પીજીવીસીએલ વર્તુળ કચેરી -જામનગરની યાદીમાં જણાવ્યાનુસાર વર્તુળ કચેરી હેઠળના દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં આગામી તા.2પ-02-2026 ના રોજ તમામ સબ ડીવીઝનલ ઓફીસોમાં મેગા ડીસકનેકશન ડ્રાઈવ યોજવામાં આવશે જે અંતર્ગત જે ગ્રાહકોએ સમય મર્યાદામાં બાકી વીજબીલની ચૂકવણી કરેલ નહિં હોય તેવા તમામ ડીફોલ્ટર ગ્રાહકોના વીજ કનેકશનો કાપી નાખવામાં આવશે. ડીફોલ્ટર ગ્રાહકોના વીજ બીલના બાકી રકમનો સ્થળ ઉપર વસૂલવામાં આવશે નહિં અને આવા ગ્રાહકોએ બાકી રહેલ બીલના નાણાં સબ ડીવીઝન ઓફીસ પર 100 ટકા ચૂકવણી કર્યા બાદ નિયમાનુસાર રીકનેકશન ચાર્જની વસૂલાત સાથે વિજ જોડાણ પુન: ચાલુ કરવામાં આવશે. વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર દ્વારા બંને જિલ્લાના ગ્રાહકોને 2પ ફેબ્રુઆરી પહેલા બાકી રહેલ રકમની ચૂકવણી કરી જવા અપીલ કરવામાં આવી છે.
