ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં બકરા ચરાવવા બાબતે થયેલા સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યા બાદ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાના ચકચારી કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું સીન રીક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ દ્વારા ઘટનાક્રમની કડીઓ જોડીને વધુ પુરાવા એકત્ર કરવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસ મુજબ, 3 ઓક્ટોબરની રાત્રે સાડા દસથી પોણા અગિયાર વાગ્યાના અરસામાં સડક-પીપળીયા ગામની સીમમાં આ ઘટના બની હતી. બકરાઓ દ્વારા ખેતરના પાકને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાના મુદ્દે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન મામલો થાળે પાડવા અથવા ધાક બેસાડવાના ઇરાદે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ગોંડલ તાલુકા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ચાર મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓમાં કરણ સુનિયા બામણીયા (રહે. વરજર ગામ, તા. ભાભરા, જિ. અલીરાજપુર), અરમાન મયુદ્દીન હોથી (રહે. સર્વોદય સોસાયટી, શાપર-વેરાવળ), સમીર કાસમ વિસળ (રહે. હડમતીયા, ભેસાણ, જૂનાગઢ) અને સુરેશ ઉર્ફે સજુભા રવજીભાઈ ઝાલા (રહે. ગુંજાલા, તા. દેત્રોજ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુંજાલા-બહુચરાજીનો કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર પણ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે. જો કે મુખ્ય આરોપી રીબડાના ધૃવરાજસિંહ જાડેજાને હજુ સુધી પોલીસ પકડી શકી નથી.
