ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ બેટ્સમેન શિખર ધવન આગામી મહિને પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે લગ્ન બંધનમાં જોડાવા જઈ રહ્યો છે. આ કપલ લાંબા સમયથી એક સાથે છે. ગત વર્ષે યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બંને પહેલી વાર એક સાથે જોવા મળ્યાં હતા. ધવન અને સોફીએ પોતે આ સંબંધ પર મહોર લગાવી હતી. ગત મહિને જ્યારે ધવને 40મો જન્મદિવસ ઉજવ્યો તો સોફીએ તેના માટે સ્પેશિયલ પોસ્ટ કરી હતી.
મૂળ આયર્લેન્ડની સોફી પ્રોડક્ટ ક્ધસલ્ટન્ટ છે અને આબૂ ધાબીની એક કંપનીમાં સેક્ધડ વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ પર કામ કરે છે. સોફીનો જન્મ જૂન 1990માં લિમરિક આયર્લેન્ડમાં થયો હતો. તેણે લિમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે.
ફેબ્રુઆરીમાં પૂર્વ ક્રિકેટર શિખર ધવન પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં દિલ્હી એનસીઆરમાં થનાર આ લગ્નમાં ક્રિકેટર અને બોલીવુડ સાથે જોડાયેલા ઘણાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યાં છે. શિખર વ્યક્તિગત રીતે તૈયારીઓ પર નજર રાખી રહ્યો છે, જેથી કોઈ ખામી ન રહી જાય. સોફી હવે શિખર ધવનના ફાઉન્ડેશનની પ્રમુખ છે. જે ધ વન સ્પોર્ટ્સની પરોપકારી શાખા છે. શિખર હાલમાં જ પોતાની આત્મકથા ’ધ વન: માઈ લાઇફ એન્ડ મોર’ ને લઈને ચર્ચામાં હતો.
આ કપલને લઈને ઘણાં સમયથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, બંને જલદી જ લગ્ન સંબંધમાં બંધાઈ શકે છે. સૌથી પહેલા આ અફવાઓ ત્યારે વહેતી થઈ, જ્યારે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન ધવન શાઇન બંને એક સાથે સ્ટેન્ડમાં જોવા મળ્યાં.
કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે, કપલ કેટલાક વર્ષ પહેલા દુબઈમાં મળ્યું હતું, જ્યાં બંને વચ્ચે મિત્રતા થઈ અને ધીમે ધીમે આ દોસ્તી રિલેશનમાં ફેરવાઈ ગઈ. જણાવી દઈએ કે, શિખર ધવનના આ બીજા લગ્ન છે. તેના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયામાં રહેતી આયશા મુખર્જી સાથે થયા હતા. તેને જોરાવર નામનો એક 11 વર્ષનો દીકરો પણ છે. જો કે, હવે તેઓ બંને અલગ થઈ ચૂક્યા છે.
