ઈન્ડિયન ક્રિકેટર રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્નનો અંત આવ્યો છે. આ કપલે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો અને ડિવોર્સ લીધા છે. બંનેના લગ્નના 4 વર્ષ પૂરા થવા પહેલાં જ રાહુલ અને ઈશાનીએ ડિવોર્સ લીધા છે. ઈન્ડિયન ક્રિકેટરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને આ જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા રાહુલ ચહરે જણાવ્યું કે તેણે તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી પૂરી કરવાની સાથે જ તે પોતાની જિંદગીના આ ચેપ્ટરને બંધ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયા માટે 7 ઇન્ટરનેશનલ મેચમાં 10 વિકેટ લેનાર 26 વર્ષના લેગ સ્પિનર રાહુલ ચહરે ગઇકાલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર ખુલાસો કર્યો કે છેલ્લા 15 મહિનાથી આ પ્રક્રિયા ચાલી રહી હતી.
માત્ર 22 વર્ષની ઉંમરે લગ્નના બંધનમાં બંધાનારા રાહુલે પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે નાની ઉંમરે જ લગ્ન કરી લીધા હતા અને પરંતુ ત્યારબાદ તેને એવા પાઠ શીખવા મળ્યા જેની તેણે ક્યારેય અપેક્ષા નહોતી કરી. હવે રાહુલ-ઈશાનીના લગ્ન કેમ તૂટ્યા, તેનું કોઈ કારણ તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું નથી. જોકે ભારતીય ક્રિકેટરે એ જરૂૂર કહ્યું કે તે પૂરી સ્પષ્ટતા સાથે આગળ વધી રહ્યો છે. રાહુલે લખ્યું, ‘છેલ્લા 15 મહિના કોર્ટના ચક્કર કાપવામાં, ધૈર્ય અને સત્યમાંથી મળતી તાકાતને શીખવામાં વીત્યા. મારી જિંદગીનો આ પાઠ પૂરો થઈ રહ્યો છે. યોગ્ય કાનૂની પ્રક્રિયા બાદ, મામલો થાળે પડ્યો છે જેની મોટી કિંમત ચૂકવવી પડી અને મારા જીવનના આ તબક્કાનો અંત આવ્યો છે. હું આ પ્રકરણને ગુસ્સા કે પસ્તાવા સાથે નહીં, પરંતુ સ્પષ્ટતા સાથે બંધ કરી રહ્યો છું.’
