ક્રિકેટ રસિયાઓને ગોલ્ડન સન્ડેની પ્રતિક્ષા: ભારત હેટ્રિક કરી શકે છે

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવીને ભારતની ટીમે રંગ રાખી દીધો. આ જીત સાથે હવે ફાઈનલમાં ભારતની ન્યૂઝીલેન્ડ સાથે ટક્કરનો…

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવીને ભારતની ટીમે રંગ રાખી દીધો. આ જીત સાથે હવે ફાઈનલમાં ભારતની ન્યૂઝીલેન્ડ સાથે ટક્કરનો તખ્તો તૈયાર છે. ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ રમાતો હોથ ત્યારે વર્લ્ડ કપ ભારત જ જીતે એવી ક્રિકેટ ચાહકોને અપેક્ષા હોય જ ને આ અપેક્ષા પૂરી થવા આડે હવે એક જ જીત છે એ જોતાં ક્રિકેટ ચાહકો ઈચ્છતા હતા એવા પરફેક્ટ ફિનિશિંગનો તખ્તો તૈયાર છે. આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને પછાડીને સૂર્યકુમાર યાદવની ટીમ વધુ એક વાર વર્લ્ડ ચેમ્પિયન બનીને આ પરફેક્ટ ફિનિશિંગ પાર પાડે એવું સૌ ઈચ્છે છે. ભારતે આ વર્લ્ડ કપમાં આફ્રિકા સામેની મેચને બાદ કરતાં સારી રમત બતાવી છે એ જોતાં ચેમ્પિયન બની શકે છે. આપણે બીજી મેચોમાં બહુ પરસેવો નહોતો પાડવો પડયો કેમ કે સામેની ટીમો પહેલેથી પાણીમાં બેસી ગયેલી.

ગ્રૂપ સ્ટેજમાં તો પાકિસ્તાન સિવાય બીજી કોઈ રેગ્યુલર ટીમ સામે રમવાનું નહોતું ને પાકિસ્તાન પહેલાં જેવું છે નહીં તેથી ભારત સામે પડકાર નહોતો. સુપર એઈટમાં અસલી ટક્કર આફ્રિકા સામે હતી ને તેમાં આપણે હારી ગયેલા. એ પછી વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેને હરાવીને આપણે સેમી ફાઈનલમાં આવ્યા. વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે બંને વર્લ્ડ કપમાં દમખમ સાથે રમ્યાં પણ તેમની હાલત દશેરાના દાડે ઘોડું ના દડે એવી થયેલી તેથી ભારત સામે જ જોર ન બતાવી શક્યાં.ન્યૂ ઝીલેન્ડે સેમિ ફાઈનલમાં સાબિત કરેલું કે, તેની પાસે ગમે તેવી પિચ પર પણ અકલ્પનીય હદે સ્ફોટક બેટિંગ કરી શકે એવા બેટ્સમેન છે. રવિન્દ્ર રચિન, ડેરેલ મિચલ, ગ્લેન ફિલિપ્સ, મારે ચેપમેન વગેરે ખતરનાક બેટ્સમેનથી ન્યૂ ઝીલેન્ડની ટીમ ભરેલી છે. ન્યૂ ઝીલેન્ડ પહેલાં પણ આવી સ્ફોટક બેટિંગ કરીને ભારત સહિતના દેશો પાસેથી મેચો ખૂંચવી ગયું છે તેથી ભારતે ફાઈનલમાં સતર્ક રહેવું પડે. અમદાવાદની પિચ બેટ્સમેન માટે સારી છે ને ન્યૂ ઝીલેન્ડ પાસે છેક 11મા નંબર સુધીની બેટિંગ લાઈન અપ ન્યૂઝીલન છે તેથી ભારતે પરફેક્ટ પ્લાન સાથે ઉતરવું પડે.

આમ પણ ટી-20માં તો આઠ-દસ બોલમાં બાજી પલટાઈ જતી હોય છે. ભારત રવિવારે જીતે તો આઈસીસી સ્પર્ધામાં જીતની હેટ્રિક પણ પૂરી થશે. 2023 પહેલાં ભારત આઈસીસી સ્પર્ધાઓ જીતી શકતું નહોતું. ભારત સેમિ ફાઈનલ કે ફાઈનલમાં આવીને ફસકી જતું હતું. 2023માં ભારતમાં જ વન ડેનો વર્લ્ડ કપ રમાયેલો છતાં ભારત જીત્યું નહતું ને ફાઈનલમાં અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે શરમજનક રીતે હારેલું. 2024માં ટી-20 વર્લ્ડ કપમાં ભારતે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવીને પરાજયનો ક્રમ તોડયો ને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને જીતનો સિલસિલો આગળ ધપાવ્યો હતો. હવે આ વર્લ્ડ કપની ફાઈનલ જીતી જાય તો હેટ્રિક પૂરી થઈ જાય. આશા રાખીએ કે, સૂર્યકુમાર યાદવની ટીમ નિરાશ નહીં કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *