ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતને પ્રથમ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક અપાવનાર નીરજ ચોપડાએ જે જેવલિનથી ગોલ્ડ મેડલ જીત્યો હતો, તે ભાલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ આપ્યા બાદ 1.5 કરોડ રૂૂપિયામાં વેંચાયુ હતું. 2021માં ભારતીય ઓલિમ્પિક ટીમના સન્માન સમારોહમાં નીરજ ચોપડાએ પોતાનું ઑટોગ્રાફ કરેલું વાલ્હાલા 800 હાર્ડ એનએક્સએસ જેવલિન પ્રધાનમંત્રીને અર્પણ કર્યું હતું.
આ જેવલિન સાથે તેમણે ફાઇનલમાં 87.58 મીટરનો થ્રો કરીને ઇતિહાસ રચ્યો હતો.પાછળથી આ ભાલું પ્રધાનમંત્રીને મળેલા અન્ય સ્મૃતિચિહ્નો સાથે સરકારની ઈ-નિલામીમાં મૂકવામાં આવ્યું. pmmementos.gov.in પર યોજાયેલી આ નિલામીમાં 1,348થી વધુ વસ્તુઓ હતી નીરજના જેવલિનને સૌથી વધુ 1.50 કરોડ રૂૂપિયાની બિડ મળી હતી. પાછળથી જાણવા મળ્યું કે આ જેવલિન બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ખરીદ્યું હતું. BCCIએ જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય કારણને ટેકો આપવા અને ઐતિહાસિક વસ્તુ સાચવવા માટે આ નિર્ણય લીધો. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ વેચાણની ટીકા કરી છે. આવી રાષ્ટ્રીય ધરોહર સંગ્રહાલયમાં રાખવી જોઈએ હતી, જ્યારે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિલામી ગંગા સંરક્ષણ જેવા જાહેર હિતના કાર્ય માટે કરવામાં આવી હતી.
