સરકારી પ્રતિકોના ઉપયોગ કરી રોફ જમાવતી ‘પાટીયા સંસ્થા’ઓ પર તવાઇ

ગુજરાતમાં બ્યુરો, કમિશન, મંત્રાલય, સેન્ટર, ઓલ ઇન્ડિયા, નેશનલ, ભારતીય વિગેરે જેવા ભળતા સરકારી નામોનો ઉપયોગ કરી રોફ જમાવવા માટે ચાલતી પાટીયા સંસ્થાઓ સામે અંતે સરકારે…

ગુજરાતમાં બ્યુરો, કમિશન, મંત્રાલય, સેન્ટર, ઓલ ઇન્ડિયા, નેશનલ, ભારતીય વિગેરે જેવા ભળતા સરકારી નામોનો ઉપયોગ કરી રોફ જમાવવા માટે ચાલતી પાટીયા સંસ્થાઓ સામે અંતે સરકારે લાલ આંખ કરી છે અને કાયદાનો દંડો ઉગામ્યો છે.

સરકારી વિભાગના નામ, હોદ્દા અને રાષ્ટ્રીય પ્રતીકોનો ઉપયોગ કરી સામાન્ય નાગરિકોને ગેરમાર્ગે દોરતી ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો, કંપનીઓ અને NGO સામે ગુજરાત સરકારે કાર્યવાહી શરૂૂ કરી છે. સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના તમામ વિભાગો, કચેરીઓ અને સક્ષમ નોંધણી અધિકારીઓને ‘પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ, 1950’નો કડક અમલ કરવા સૂચના આપી છે.

કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યોને પાઠવાયેલા પરિપત્રના આધારે ગુજરાત સરકારે આ કાર્યવાહી હાથ ધરી છે. સરકારના ધ્યાને આવ્યું છે કે, કેટલીક ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યાપારી પેઢીઓ પોતાના નામ એવા રાખે છે કે, તે સરકારી વિભાગ કે સંસ્થા હોવાનો ભ્રમ ઊભો કરે છે. આ ઉપરાંત, લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ, ઓફિસના બોર્ડ અને વેબસાઈટ પર અશોક સ્તંભ, અશોક ચક્ર અથવા સરકારી સિક્કાની નકલનો ઉપયોગ કરવામાં આવતો હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આવા ઉપયોગથી સામાન્ય નાગરિકો ખાનગી સંસ્થાને સરકારી સંસ્થા માનીને નાણાંકીય વ્યવહાર કે અન્ય દસ્તાવેજો સોંપી શકે છે અને છેતરપિંડીનો ભોગ બની શકે છે.

નવી સૂચના મુજબ ખાનગી સંસ્થા, ટ્રસ્ટ કે વ્યાપારી પેઢીએ પોતાના નામમાં ‘બ્યુરો’, ‘કમિશન’, ‘મંત્રાલય’, ‘સેન્ટર’, ‘ઓલ ઈન્ડિયા’, ‘નેશનલ’ અને ‘ભારતીય’ જેવા શબ્દોનો ઉપયોગ કરતા પહેલાં કેન્દ્ર સરકારની લેખિત મંજૂરી લેવી પડશે. જો મંજૂરી સાથે આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો સંસ્થાએ પોતાના નામ સાથે તે ‘ખાનગી સાહસ’ હોવાનું સ્પષ્ટ કરવું પડશે અને તેનો સરકાર સાથે કોઈ સંબંધ કે સરકારી ઉદ્દેશ નથી તે અંગે સ્પષ્ટતા કરવાની રહેશે.

સરકારે રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ, રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ અને કો-ઓપરેટિવ વિભાગ સહિતની સંબંધિત નોંધણી કચેરીઓને પણ સૂચના આપી છે. અરજીના સ્ક્રીનિંગ અને રજિસ્ટ્રેશનના તબક્કે જ આવા ભ્રામક નામોની ચકાસણી કરી કાયદાની જોગવાઈ વિરુદ્ધ હોય તેવી અરજીઓ મંજૂર ન કરવા જણાવ્યું છે. કોઈ સંસ્થાના નામ અંગે શંકા કે વિવાદ ઊભો થાય તો સમગ્ર મામલો કેન્દ્ર સરકારના ધ્યાન પર મૂકવાનો રહેશે અને આ અંગે કેન્દ્ર સરકારનો નિર્ણય આખરી ગણાશે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ માત્ર સંસ્થાના નામ પૂરતું મર્યાદિત નથી. રાષ્ટ્રીય ગૌરવ સાથે સંકળાયેલા સરકારી પ્રતીકો અને નામોના અયોગ્ય ઉપયોગને પણ ગંભીરતાથી લેવામાં આવશે. કાયદાની જોગવાઈઓનો ભંગ કરનાર ખાનગી સંસ્થા કે સંગઠન સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

સામાન્ય વહિવટ વિભાગે શું સૂચના આપી ?
તમામ વિભાગો અને કચેરીઓએ પોતાના ક્ષેત્રમાં આવતી ખાનગી સંસ્થાઓની તપાસ કરવાની રહેશે.
સક્ષમ નોંધણી અધિકારીઓએ નવી સોસાયટી, ટ્રસ્ટ, કંપની કે એનજીઓની નોંધણી વખતે નામની તપાસ કરવાની રહેશે.
પ્રતિબંધિત શબ્દો કે સરકારી પ્રતીક હોય તો કેન્દ્રની લેખિત મંજૂરી માંગવાની રહેશે. મંજૂરી ન હોય તો નામ મંજૂર ન થઈ શકે.
હાલની સંસ્થાઓમાં ઉલ્લંઘન જણાય તો કાયદા મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *