પી.જી.વી.સી.એલ.ના કર્મચારીનું એક ઈન્ક્રીમેન્ટ કાયમી અસરથી બંધ કરવાના સજાના હુકમ સામે માંગેલી દાદ ટ્રીબ્યુનલે મંજૂર કરી આર્થિક મળવાપાત્ર તમામ લાભો પણ ચુકવી આપવા કર્મચારીની તરફેણમાં હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ રાજકોટ ખાતે પી.જી.વી.સી.એલ.માં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા એચ.પી. જોશીને આક્ષેપો સાથે પ્રથમ શો-કોઝ નોટીસ આપેલી બાદ ચાર્જશીટ આપવામાં આવેલી અને તેમની સામે ખાતાકીય તપાસ નિમવામાં આવી હતી.
તપાસનિશ અધિકારીએ કર્મચારી વિરૂૂધ્ધ આપેલા તારણના અનુસંધાને કર્મચારીના બે ઈન્ક્રીમેન્ટ કાયમી અસરથી બંધ કરવાની સજા કરવામાં આવી હતી. જે સજા સામે અપીલ કરી હતી. જે અપીલમાં આ કર્મચારીને કરવામાં આવેલી સજાના હુકમમાં ઘટાડો કરી એક ઈન્ક્રીમેન્ટ કાયમી અસરથી બંધ કરવાની સજા કરવામાં આવી હતી.પી.જી.વી.સી.એલ.ની આ સજાના હુકમ સામે કર્મચારીએ ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કરેલ હતો.
જે કેસમાં પી.જી.વી.સી.એલ. ને નોટીસ બજતા તેઓ હાજર થયેલા હતા. અરજદાર તરફે દસ્તાવેજી પુરાવા અને મૌખિક પુરાવા રજુ કરેલા હતા કર્મચારીના એડવોકેટએ કાયદાકીય મુદાઓ અંગે જુદી-જુદી હાઈકોર્ટના ચુકાદાઓ ટાકી લંબાણ પુર્વક દલીલ કરેલ હતી. જે દલીલોને માન્ય રાખી ટ્રીબ્યુનલએ કર્મચારી એચ.પી. જોશી સામે એક ઈન્ક્રીમેન્ટ કાયમી અસરથી બંધ કરવાનો જે હુકમ કરેલો છે તે હુકમ રદ કરી આ કર્મચારીને તમામ તેને સંલગ્ન આર્થિક લાભો ચુકવી આપવા અંગેનો મહત્વનો હુકમ પી.જી.વી.સી.એલ. વિરૂૂધ્ધ ફરમાવેલો છે.આ કામમાં પી.જી.વી.સી.એલ.ના કર્મચારી તરફે રાજકોટના સિનિયર એડવોકેટ જી. આર. ઠાકર ગાર્ગીબેન જી. ઠાકર, મિલનભાઈ દુધાત્રા, કૃપાલ ઠાકર તથા જીંકલ પટેલ રોકાયેલ હતા.