રાજકોટમાં બોગસ સહીવાળા ચેક મારફતે આરટીજીએસ દ્વારા રૂૂ.10 લાખ ટ્રાન્સફર કરી આર્થિક કૌભાંડ આચર્યાની અરજીમાં કોર્ટ દ્વારા આ મામલે ફોજદારી ઇન્કવાયરી રજિસ્ટરે લઈ આ બાબતે અગાઉ થયેલી અરજી સંદર્ભે પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા (ઇઓડબલ્યુ)એ શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ માંગવામાં આવતા ચકચાર જાગી છે.
આ અંગેની હકીકત મુજબ હર્ષ મહેશભાઈ કાકડીયાએ પોતાના દાદા બાબુભાઈ કરશનભાઈ કાકડીયાના કુલમુખત્યાર તરીકે કોર્ટમાં ભરતભાઈ મગનભાઈ ઠુમ્મર, અમિતકુમાર ડી. ભાલોડીયા/ ભાણવડીયા, ભાવીન દિલીપભાઈ ભૂત, રંગિત કરસનભાઈ વઘાસિયા અને દર્શનાબેન જગદીશભાઈ સામે કરેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ તા.28/ 02/ 2025ના રોજ બોગસ, બનાવટી અને ઉપજાવી કાઢેલી સહીવાળા રૂૂ.10 લાખનો ચેક ભાવીન દિલીપભાઈ ભૂતના કોટક મહિન્દ્રા બેંકના ખાતામાં આરટીજીએસથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારબાદ તે રકમ આરોપી દર્શનાબેન જગદીશભાઈના ખાતામાં જમા કરાવી ઉપાડી લેવામાં આવી હોવાનું અને તમામ આરોપીઓએ ભાગબટાઈ કરી આર્થિક લાભ મેળવ્યો હોવાનું કોર્ટ ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદમાં વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રૂૂ.15 લાખ ઉપાડવાનો અન્ય પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જે સફળ થયો ન હતો અને તે સંદર્ભે ભરતભાઈ મગનભાઈ ઠુમ્મર અને રંગિત કરસનભાઈ વઘાસિયા વિરૂૂદ્ધ એફઆઇઆરની પોલીસ તપાસ ચાલુ છે.
હાલની આ ફરિયાદ મુજબ અગાઉ આ મામલે આર્થિક ગુના નિવારણ શાખા અને પોલીસ કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ અરજીઓ કરવા છતાં એફઆઇઆર દાખલ ન થતા અંતે કોર્ટનો આશરો લેવાયો છે. ફરિયાદ મામલે રાજકોટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ફરિયાદને ફોજદારી ઇન્ક્વાયરી રજિસ્ટરે લઈ ફરિયાદી દ્વારા અગાઉ આર્થિક ગુન્હા નિવારણ શાખા રાજકોટ શહેર સમક્ષ કરવામાં આવેલી અરજીમાં શું કાર્યવાહી કરવામાં આવી અને શું તપાસ થઈ તેનો સમગ્ર રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ કામે ફરિયાદીના એડવોકેટ તરીકે વનરાજસિંહ ડોડીયા અને ભાવિન જે. પટેલ રોકાયા હતા.
