રાજકોટમાં સમૂહલગ્નના આયોજકો ફરાર થઇ જતા 28 યુગલો રઝળી પડ્યા હતા. 28 દીકરીઓ સાથે છેતરપીંડી કરનાર ચંદ્રેશ છાત્રોલાએ પોલીસ ધરપકડની દહેશતે કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા ગત તા.22 ફેબ્રુઆરીના રોજ 28 દીકરીઓના સર્વ જ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ધયા પક્ષ અને વર પક્ષના લોકો સમુહલગ્નના સ્થળે પહોંચતા માત્ર મંડપ જ જોવા મળ્યા હતા. અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેથી અયોજકોનો સંપર્ક કરતા તેમના ફોન બંધ આવતા હતા. સમુહલગ્નના આયોજકો 28 દીકરીઓને રજળતા મૂકી નાસી છૂટતા હાહાકાર મચી ગયો હતો. હરખ સાથે પરણવા આવેલા ક્ધયા અને વર પક્ષના સભ્યો પરત ફર્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને હાજર વર-ક્ધયાના લગ્ન કરાવી આપ્યા હતા. વર-ક્ધયાને રાતા પાણીએ રડાવનાર ઋષિવંશી સમાજ સેવા સંઘના આયોજકો વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં સમૂહલગ્નમાં નોંધણી કરાવનાર એક દીકરીના પિતા કાનજીભાઈ દેવશીભાઈ ટાટમીયા (રહે. શાપર વેરાવળ)એ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી દીપક દેવજી હિરાણી, મનીષ નટવરલાલ વિઠ્ઠલાપરા, દિલીપ ઉર્ફે દિલ્પેશ પ્રવિણ ગોહિલ અને દિલીપ ગીરધર વરસડા અને હાર્દિક શીશાંગીયાની ધરપકડ કરી હતી.
હાલ આ આરોપીઓ જામીન પર છૂટેલા છે. જોકે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ જગદીશભાઈ છાત્રોલાએ પોલીસ ધરપકડની દહેશતે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે સરકારી વકીલ એસ. કે. વોરાએ દલીલો કરી હતી કે, સમૂહ લગ્નના તમામ ફંડની રકમ ચંદ્રેશ પાસે છે. જેથી પોલીસ કસ્ટડી થકી તપાસ થવી જરૂૂરી છે. આગોતરા જામીન નહી આપવા દલીલ કરી હતી. બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે થયેલી દલીલો અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે ચંદ્રેશ છાત્રોલાની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા અને ફરિયાદી પક્ષે યુવા એડવોકેટ રિપન એમ. ગેવરીયા રોકાયા હતા.
–
