અંદાજે 175 અબજ ડોલર પરત કરવા પડશે, રદ કરાયેલા IEEPA કાયદા હેઠળ તમામ ઇમ્પોટર્સને ડ્યૂટી પાછી મળશે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓને મોટો આંચકો આપતા યુએસ ટ્રેડ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા આયાત શુલ્ક (ટેરિફ) ને રદ કરી, તે રકમ સંબંધિત કંપનીઓને પરત કરવાનો આદેશ જારી કર્યો છે. યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે ગઇકાલે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે IEEPA કાયદા હેઠળ વસૂલવામાં આવેલી રકમ કંપનીઓને રિફંડ કરવામાં આવે.
ગયા મહિને ફેબ્રુઆરીમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતી ચુકાદા સાથે ટ્રમ્પના ઇમરજન્સી ટેરિફને ગેરબંધારણીય અને ગેરકાનૂની ગણાવ્યા હતા. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે IEEPA કાયદો રાષ્ટ્રપતિને મનસ્વી રીતે આવા ટેરિફ લાદવાની સત્તા આપતો નથી. ટ્રમ્પે ગયા વર્ષે એપ્રિલમાં મેક્સિકો, કેનેડા અને ચીન સહિતના દેશો પર 10% થી 50% સુધીના ‘લિબરેશન ડે’ ટેરિફ લાદ્યા હતા, જેના દ્વારા સરકારને અંદાજે 130 અબજ ડોલરની આવક થઈ હતી. જજ રિચર્ડ ઈટને જણાવ્યું હતું કે જે પણ ઈમ્પોર્ટર્સની એન્ટ્રી IEEPA ડ્યુટી હેઠળ થઈ હતી, તેઓ આ રિફંડ મેળવવાના હકદાર છે. નિષ્ણાતોના મતે હવે સરકાર પર હજારો કેસ થઈ શકે છે અને રિફંડની કુલ રકમ 175 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.
ફેડએક્સ જેવી મોટી કંપનીઓએ પણ આ મામલે કેસ દાખલ કર્યા છે. ‘વી પે ધ ટેરિફ્સ’ નામના નાના વેપારીઓના સંગઠને આ ચુકાદાને મોટી જીત ગણાવી છે. એક તરફ જૂની રકમ પરત કરવાનો આદેશ છૂટ્યો છે, ત્યારે બીજી તરફ ટ્રમ્પ પ્રશાસન નવા ટેરિફ લાવવાની તૈયારીમાં છે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યા છે કે આ અઠવાડિયે ગ્લોબલ ટેરિફ 10% થી વધારીને 15% કરવામાં આવી શકે છે, જે રદ થયેલા IEEPA ટેરિફની જગ્યા લેશે. આગામી સમયમાં અમેરિકાની આયાત-નિકાસ નીતિમાં મોટા બદલાવ અને અનિશ્ચિતતા જોવા મળી શકે છે.
ભારતીય નિકાસકારોને મોટી રાહત
ભારત પર ટ્રમ્પ પ્રશાસને શરૂૂઆતમાં 25% લિબરેશન ડે ટેરિફ અને ત્યારબાદ રશિયન તેલની ખરીદીના કારણે વધારાના 25% એમ કુલ 50% ટેરિફ લાદ્યા હતા. જોકે, તાજેતરમાં થયેલા ટ્રેડ ફ્રેમવર્ક કરાર બાદ આ દર ઘટાડીને 18% કરવાની વાત હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતની કંપનીઓને પણ મોટા પાયે રિફંડ મળવાની આશા જાગી છે. જોકે, ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત સાથેની ટ્રેડ ડીલમાં કંઈ બદલાશે નહીં.
