હલેન્ડામાં વીજલાઇન તૂટી પડતા દંપતિંનું મોત, પુત્ર-પુત્રવધૂ દાઝયા

રાજકોટ નજીક હલેન્ડા ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને દુ:ખદ ઘટના બની છે. રાજકોટથી આટકોટ તરફ જવાના માર્ગ પર આવેલા હલેન્ડા ગામે એક ખેડૂત દંપતી વાડી…

રાજકોટ નજીક હલેન્ડા ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને દુ:ખદ ઘટના બની છે. રાજકોટથી આટકોટ તરફ જવાના માર્ગ પર આવેલા હલેન્ડા ગામે એક ખેડૂત દંપતી વાડી એ પોતાના રોજિંદા શ્રમ કાર્યમાં વ્યસ્ત હતું, તે દરમિયાન વીજ વાયર તૂટી પડવાની અકસ્માત ઘટનામાં બંને પતિ-પત્નીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જયારે દંપતિના પુત્ર ને પુત્રવધુ બચાવવા જતા દાઝી જતા બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ પીજીવીસીએલનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, હલેન્ડા ગામે રહેતા ગાંડુભાઈ જાદવભાઈ વાવડીયા અને તેમના ધર્મપત્ની કાંતાબેન સવારના સુમારે હલેન્ડા-ઉમરાળી રોડ પર આવેલી પોતાની વાડીમાં ખેતીકામ કરી રહ્યા હતા. આ ખેતરમાં મગફળીનો પાલ ઉપાડી રહ્યા હતા ત્યારે અચાનક વિજ લાઇન તુટી પડતા ગાંડુભાઇને વિજ શોક લાગ્યો હતો તે વખતે ત્યાં હાજર તેમનો પુત્ર હસમુખ ગાંડુભાઇ વાવળીયા ઉ.વ.40 તેમને બચાવવા ગયો હતો અને હસમુખને પણ જોરદાર વિજ આંચકો લાગ્યો હતો.

આ ઘટના વખતે ત્યાં હાજર હસમુખના માતા કાન્તાબેન ગાંડુભાઇ વાવળીયા ઉ.વ.70 પુત્રને બચાવવા દોડયા હતા અને પુત્રને ત્યાંથી ધક્કો મારી દુર કરી દીધો હતો. આ બનાવ વખતે હસમુખની પત્ની દયાબેન હસમુખભાઇ વાવળીયા ઉ.વ.37 પણ ત્યાં બચાવવા માટે દોડી ગઇ હતી. હસમુખ અને તેની પત્ની દયા ગંભીર રીતે દાઝયા હતા. જયારે ગાંડુભાઇ અને તેમના પત્ની કાન્તાબેનનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. ઇજાગ્રસ્ત હસમુખ અને તેની પત્ની દયાને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગ્રામજનો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ દુર્ઘટનાની જાણ થતાં જ તાલુકા પંચાયતના સદસ્ય વનરાજભાઈ ગરૈયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. અચાનક બનેલી આ હોનારતથી પરિવારજનો પર તો જાણે આભ તૂટી પડ્યું હતું અને પરિવારના રોકકળથી વાતાવરણ ગમગીન બન્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વીજ વિભાગની ઘોર બેદરકારી કે અચાનક સર્જાયેલી આ પ્રાકૃતિક કે ટેકનિકલ ખામીના કારણે એક જ પરિવારના મોભી અને જીવનસાથી એવા દંપતીના અચાનક ચાલ્યા જવાથી હલેન્ડા ગામે ભારે શોકની લાગણી પ્રવાહિત થઈ છે. ઘટનાની જાણ થતા પીજીવીસીએલનાં અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *