જીનિવા વાટાઘાટો નિષ્ફળ જતાં ઇરાન પર અમેરિકાના હુમલાનું કાઉન્ટડાઉન શરૂ

ઈરાન સાથે પરમાણુ કરાર મુદ્દે ચાલી રહેલી રાજદ્વારી મંત્રણાઓ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં પોતાની સૈન્ય તાકાતમાં તોતિંગ વધારો કરીને સૌને ચોંકાવી દીધા છે.…

ઈરાન સાથે પરમાણુ કરાર મુદ્દે ચાલી રહેલી રાજદ્વારી મંત્રણાઓ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં પોતાની સૈન્ય તાકાતમાં તોતિંગ વધારો કરીને સૌને ચોંકાવી દીધા છે. એકતરફ મંત્રણાના ટેબલ પર વાતચીત ચાલી રહી છે, તો બીજીતરફ અમેરિકાએ યુદ્ધની તૈયારી જેવી ફિલ્ડિંગ ગોઠવી દીધી છે. અંદાજે પંદર દિવસ સળંગ યુધ્ધ ચાલે એવી શસ્ત્ર સરંજામની તથા અન્ય સપ્લાઇ લાઇન પણ તૈયાર કરી લીધી છે.

છેલ્લા 24 કલાકમાં અમેરિકાએ મધ્ય પૂર્વમાં 50થી વધુ અત્યાધુનિક લડાયક વિમાનો તૈનાત કર્યા છે. મિલિટ્રી એવિએશન મોનિટરિંગ મુજબ, અમેરિકાએ F-22, F-35 અનેF-16 જેવા ઘાતક ફાઈટર જેટ્સને આ વિસ્તારમાં મોકલ્યા છે. આ વિમાનોની સાથે હવામાં ઈંધણ ભરી શકે તેવા ટેન્કર વિમાનો પણ મોકલવામાં આવ્યા છે, જે સૂચવે છે કે અમેરિકન સેના લાંબા સમય સુધી હવાઈ ઓપરેશન ચલાવવા માટેની તૈયારી કરી રહી છે. માત્ર આટલું જ નહીં, અમેરિકાએ કેરેબિયનથી તેના એરક્રાફ્ટ કેરિયર ગ્રુપ(યુદ્ધ જહાજોનો કાફલો)ને પણ મધ્ય પૂર્વ તરફ રવાના કરી દીધું છે. જીનિવામાં ઇરાન- અમેરિકાના રાજદ્વારીઓ વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ જતાં હવે યુધ્ધ નિશ્ચિત બની ગયું છે.

સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમ અંગે પરોક્ષ વાતચીતનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. જોકે, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હજુ પણ પ્રમુખ ટ્રમ્પ દ્વારા નિર્ધારિત ’રેડ લાઈન્સ’ અથવા કડક શરતો સ્વીકારવા તૈયાર નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાન પર ભારે દબાણ બનાવીને તેને પોતાની શરતો મુજબ પરમાણુ કાર્યક્રમ અટકાવવા મજબૂર કરી રહ્યું છે.

આટલા સૈન્ય દબાણ છતાં, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ વાતચીતને ગંભીર અને રચનાત્મક ગણાવી છે. તેમણે સંકેત આપ્યો છે કે અગાઉની બેઠક કરતા પ્રગતિ સારી છે, પરંતુ કોઈ પણ સમજૂતી જલ્દી થાય તેવી શક્યતા નથી. બીજી તરફ, ઓમાનના વિદેશ મંત્રી બદ્ર અલબુસૈદી આ મંત્રણામાં મધ્યસ્થી કરી રહ્યા છે અને તેમણે પણ માહોલ સકારાત્મક હોવાનું જણાવ્યું છે. આગામી બે અઠવાડિયામાં ઈરાન નવા પ્રસ્તાવ સાથે પરત ફરી શકે છે. અમેરિકાની આ બેવડી વ્યૂહરચના એકતરફ મંત્રણા અને બીજીતરફ સૈન્ય ઘેરાબંધી સ્પષ્ટપણે દર્શાવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનને કોઈ પણ કિંમતે હળવાશથી લેવા માંગતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *