રાજ્ય સરકારના મહિલા સુરક્ષા અને સશક્તિકરણના સકારાત્મક અભિગમ હેઠળ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ’મિશન શક્તિ’ અંતર્ગત કાર્યરત ’સખી વન સ્ટોપ સેન્ટર’ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે આશાનું નવું કિરણ બન્યું છે.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલ તથા દહેજ પ્રતિબંધક અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ સેન્ટરમાં હિંસા કે આફતનો સામનો કરતી મહિલાઓને એક જ છત નીચે વિનામૂલ્યે તબીબી સારવાર, કાનૂની માર્ગદર્શન, પોલીસ સુરક્ષા, હંગામી આશ્રય અને કાઉન્સેલિંગની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
ઓગસ્ટ-2022થી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત આ સેન્ટરે પોતાની સંવેદનશીલ કામગીરી થકી અત્યાર સુધીમાં 600થી વધુ મહિલાઓનું સચોટ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. તંત્રના સઘન પ્રયાસોથી 500થી વધુ કેસોનું સુખદ સમાધાન લાવી પરિવારોને તૂટતા બચાવાયા છે. તેમજ 250થી વધુ બહેનોને હંગામી આશ્રયની સાથે 30થી વધુને તાત્કાલિક તબીબી સારવાર અપાઈ છે. આ સેન્ટર દ્વારા યોજનાનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચાડવા 450 જેટલા લોકજાગૃતિ કાર્યક્રમો પણ સફળતાપૂર્વક યોજવામાં આવ્યા છે. મહિલાઓને મુશ્કેલીના સમયે તાત્કાલિક સહાય મેળવવા ગોંડલના ભગવતપરા સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ’સખી વન સ્ટોપ સેન્ટર’નો રૂૂબરૂૂ અથવા હેલ્પલાઈન નંબર 02825-220023 પર સંપર્ક કરી શકાય છે.
