બીપીએમસી એક્ટમાં જોગવાઈ હોવા છતાં અધિકારીઓએ પાટિયા-બાકડા અને પેવિંગ બ્લોકમાં ગ્રાન્ટ વડેફી
રાજ્યની 7 મનપામાં થતી કામગીરીથી મનપા આજ સુધી અજાણ, સ્ટે. ચેરમેનને પુછવામાં આવેલા પ્રશ્ર્નના જ્વાબમાં થયો ઘટસ્ફોટ
રાજકોટ મહાનગરપાલિકાના મોટાભાગના કામો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવામાં આવી રહ્યા છે. નિયમ મુજબ 10 લાખ રૂપિયાથી વધુ રકમનું કામ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે પરંતુ કોર્પોરેટરોને વોર્ડના કામો માટે મળતી વાર્ષિક 80 લાખની ગ્રાન્ટ ફક્ત બાકડા, સાઈન બોર્ડ અને પેવીંગ બ્લોક પાછળ ખર્ચમાં આવે છે. જેના લીધે ગ્રાન્ટ પરત જતી હોય છે. આથી આ મુદ્દે સ્ટેન્ડીં ચેરમેન જયમીનભાઈ ઠાકરને પુછવામાં આવતા તેમણે જણાવેલ કે, આ મુદ્દે રાજ્યની સાત મહાનગરપાલિકા પાસેથી વિત માંગવામાં આવેલ જે મુજબ રાજકોટ મહાનગરપાલિકા હવે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી અલગ અલગ પ્રકારના 71 જેટલા કામો પાછળ ખર્ચ કરી શકશે. જેના લીધે ઝોનલ કામોને વેગ મળસે અને જે તે વિસ્તારના કોર્પોરેટરો પણ પોતાના વિસ્તારોમાં વિકાસના કામો ઝડપી કરી શકશે. આમ 40 વર્ષ બાદ હવે કોર્પોરેશનને માલુમ પડ્યું કે, બીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી 71થી વધુ કામો કરી શકાય છે.
રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરોને વાર્ષિક ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. એક કોર્પોેટર દિઠ વર્ષે 80 લાખનો ખર્ચ કરવાનો રહેતો હોય છે. પરંતુ વર્ષોથી ફોરમેટ ટાઈપ કામો કરવામાં અધિકારીઓ ટેવાઈ ગયેલા હોય છેલ્લા 40 વર્ષથી કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી ફક્ત શેરીના બોર્ડ તેમજ પેવીંગ બ્લોક અને બાકડા મુકવા સહિતની સાત પ્રકારની નાની-મોટી કામગીરી કરવામાં આવતી હતી. જેમાં ગ્રાન્ટ સંપૂર્ણપણે વાપરી શકાય તેમ ન હોય વર્ષના અંતે અનેક કોર્પો રેટરોની ગ્રાન્ટ પરત જતી હતી જેના લીધે વોર્ડના નાના-મોટા વિકાસના કામોને વેગ મળતો ન હતો. આથી ગ્રાન્ટ પરત જવાની દર વર્ષની ઘટના અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરને પુછવામાં આવતા તેમને જણાવેલ કે, બીપીએમસી એક્ટ મુજબ રાજ્યની અન્ય મહાનગરાપલિકાઓમાં અનેક પ્રકારના કામો થઈ રહ્યા છે.
જેથી સેક્રેટરી વિભા દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા, જામનગર સહિતની મહાનગરપાલિકાઓને પત્ર લખી કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી થતાં પ્રોજેક્ટોની વિગત માંગવામાં આવે જે મુજબ 71 જેટલાકામો કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી થઈ શકે છે. તેમ જાણવા મળ્યું છે. આથી આજ સુધી મનપાના અધિકારીઓ દ્વારા બીપીએમસી એક્ટમાં નિયમ હોવા છતાં પાંચથી સાત કામો ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યા હતાં. અને હવે 71થી વધુ કામો કરવા માટે આજે સાંજે અધિકારીઓ સાથે યોજાયેલ બજેટ મીટીંગમાં આ મુદ્દાની ચર્ચા કરી અન્ય મહાનગરપાલિકાઓમાંથી સુચવવામાં આવેલા કામોની યાદીથી વાકેફ કરવામાં આવશે એન આ મુજબ નવા વર્ષમાં અને નવા બજેટમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર પાસેથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજકોટ મહાનરગપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત આ નિર્ણય લેવામાં આવશે. આજ સુધી કોર્પોરેટરની ગ્રાન્ટોમાંથી થતાં પાંચથી સાત પ્રકારના કામોના સ્થાને હવે 70થી વધુ કામો કરવામાં આવશે. જેના લીધે ટેન્ડર પ્રક્રિયામાં થતો સમયનો વેડફાટ બચી જશે અને દરેક વોર્ડના કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસના કામો કે જે 10 લાખની અંદર થતાં હોય તેવા 71 પ્રકારના કામો તુરંત કરી શકશે. જેના લીધે વોર્ડના નાના કામોને વેગ પ્રાપ્ત થશે.
રાજ્યની સાત મહાનરગપાલિકાઓ દ્વારા કરવામાં આવેલા કામો મુજબ રાજકોેટ મહાનગરપાલિકા હવેથી કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરશે. જેમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં પાણી, ગટર, સહિતના શેરી ગલીઓમાં ડામર રોડનું કામ, ટ્રાફિક નિયમન માટે રોડ ડિવાઈડર, સ્પીડ બ્રેકર, સ્વીમીંગ પુલ, હેલ્થ સ્ટેશન તેમજ લાઈબ્રેરી હસ્તકના અને બગીચાઓના કામો, ટયુબલાઈટ, પંખા, લાઈટના થાંભલા, સોલાર લાઈટ, એલઈડી લાઈટ, રોહાઉસ, પેવર બ્લોક, ટ્રાફિક સર્કલ બનાવવા શાળાઓમાં સૌચાલય, પાણી, કમ્પાઉન્ડ વોલ, વિજળીકરણ સહિતના કામો, શાળાઓમાં રમત-ગમત, કસરના સાધનો, ડસ્ટબીન મુકવા, મનપાની હોસ્પિટલોમાં સાધનો મુકવા, બાંધકામ સાધનોની ખરીદી, વૃક્ષારોપણ, કુંડા, આંગણવાડીઓમાં પીવાના પાણી માટેની સુવિધાઓ, શાળાઓમાં બેન્ચ, શાળાઓ માટે કોમ્પ્યુટર ટેબલ, ખુરશીઓ સહિતની ખરીદી, સવ્ચછતા અભિયાન માટે મોબાઈલ ટોઈલેટ, ડસ્ટબીન વિતરણ, તમામ પ્રકારના માસ્ક, સેનેટાઈઝર તેમજ કુદરતી આપત્તિને લગતી સાધન-સામગ્રીને લગતી કાચા રસ્તામાં મોરમ પાથરવી, સ્ટ્રીટ લાઈટ ન હોય ત્યાં સ્ટ્રીટલાઈટ નાખવી સહિતના 71 નવા કામો કોર્પોરેટર પોતાની ગ્રાન્ટમાંથી પોતાના વોર્ડમાં જ કરી શકશે.
ગ્રાન્ટ વાપરવા માટેના નિયમો
કોર્પોરેટરને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ ફકત પોતાના વોર્ડ પૂરતોજ કરવાનો રહેશે, કાળવવામાં આવતી ગ્રાન્ટ અંગે પ્રાથમીક સુવિધાના નવા કામો તથા મરામત/જાળવણી કામો જ સુચવી શકાશે આ ગ્રાન્ટ માંથી કોઈ સંસ્થાને અનુદાન કે ગ્રાન્ટ ફાળવી શકાશે નહી, ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો જે તે વર્ષમાં જ ઉપયોગ કરવાનો રહેશે વર્ષ પૂર્ણ થયા બાદ બચત ગ્રાન્ટ નો ઉપયોગ ત્યાર બાદના વર્ષમાં ઉપયોગમાં લઈ શકાશે નહીં.- જે-તે વર્ષ પૂર્ણ થતા પહેલા લખીને આપેલ હોય તેવી ગ્રાન્ટના વહીવટી કાર્યવાહી બાકી હોય તો તે પૂર્ણ કરવી પડશે, કોર્પોરેટરને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ કોઈપણ વ્યકિતગત કામ માટે સૂચવી શકાશે નહી. આ ગ્રાન્ટ માત્ર સામુહિક સુવિધાના ઉપયોગ માટે ફાળવી શકાશે, કોર્પોરેટર ઘ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ સામે સુચવવામાં આવેલ કામગીરીની શાખા અધિકારી ધ્વારા ખરાઈ થયા બાદ જો જરૂૂરીયાત જણાયે મંજૂરી આપવામાં આવશે અન્યથા ફેર વિચારણા અર્થે પરત મોકલવામાં આવશે, કોર્પોરેટર ધ્વારા સૂચવવામાં આવતા કામ અંગે પોતાના લેટર પેડ ઉપર સહી કરી માંગણી રજૂ કરવાની રહેશે જેમાં કરવાની થતી કામની ચોકકસ જગ્યા(સરનામું) દર્શાવવાનું રહેશે, કોર્પોરેટર ધ્વારા સૂચવવામાં આવેલ કામ અંગે દિન-15 માં જરૂૂરી વહિવટી કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
અધિકારીઓએ આજ સુધી રાખ્યા અંધારામાં
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોને વર્ષે 80 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેના થકી કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસના કામો કરી શકે છે પરંતુ બીપીએમસી એક્ટમાં નિયમ હોવા છતાં અધિકારીઓને આજ સુધી ફક્ત પાંચથી સાત કામો થાય તેવી જાણકારી હતી અને હવે અન્ય મહાનરગપાલિકાઓમાં કોર્પોેટરની ગ્રાન્ટમાંથી થતાં કામોની યાદી આવી ગયા બાદ 71થી વધુ કામો ગ્રાન્ટમાંથી થઈ શકે તેમ હોવાનું ખુલ્યું છે. ત્યારે ચુંટાયેલા કોર્પોરેટરો તેમજ પદાધિકારીઓ તો ફરતા રહેતા હોય છે. પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ કે જેમને બીપીએમસી એક્ટની સંપૂર્ણ જાણકારી હોય છે છતાં આજ સુધી અધિકારીઓએ નેતાઓને અંધારામાં રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે.
ઝોનલમાંથી કામ થાય તો સ્પીડ આવશે: સ્ટે. ચેરમેન
રાજકોટ મહાનગરાપલિકાની કોર્પોરેટરોની દર વર્ષે પરત જતીં ગ્રાન્ટનો સદઉપયોગ થઈ શકતો નથી. તેવા પ્રશ્ર્નના જવાબમાં સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે આજે અન્ય મહાનગરપાલિકાઓમાં થતીં કામગીરીનો દાખલો આપી જણાવેલ કે, અન્ય મનપામાં 71થી વધુ કામો કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી થઈ રહ્યા છે. જેની અમલવારી રાજકોટમાં કરવામાં આવશે. જેના લીધે ઝોનલમાંથી કામો વધુ થશે અને કોર્પોરેટર દ્વારા સુચવવામાં આવેલા કામો ઝોનલમાં થશે જેમાં સ્પીડ આવવાથી વિકાસના કામોને વેગ મળશે.