હરીપર, મોટી વેરાવળ (રામપર) ને જોડતો જૂનો માર્ગ ખૂલ્લો કરાવવા કલેકટર, મામલતદારને રજૂઆત, પંચાયતોના ઠરાવો સામેલ
જામનગર નજીકના હરીપર, મોટી વેરાવળ અને રામપર ગામોને જોડતા અને બાપદાદાના સમયથી ઉપયોગમાં લેવાતા રાજાશાહી માર્ગને અમુક વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર રીતે બંધ કરી દેવાયો હોવાનો ગંભીર આરોપ મૂકીને આ ત્રણેય ગામના રહેવાસીઓ અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર જામનગર અને મામલતદાર લાલપુરને ઉદ્દેશીને એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે મોટી વેરાવળ (રામપર) ગામથી મોજે હરીપર ગામ તરફ જતો આ જૂનો રાજાશાહી માર્ગ નવા સર્વે નંબરો 461, 462 અને 466 ના માલિકો જમનભાઈ અજાભાઈ ભંડેરી અને તરુણભાઈ મનસુખભાઈ શેલડીયા દ્વારા ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. આ માર્ગ બંધ થવાને કારણે બંને ગામના ખેડૂતોને પોતાની જમીનમાં જવા આવવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તેઓ પેઢીઓથી આ માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે.
આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને ત્રણેય ગામની ગ્રામ પંચાયતોએ ગ્રામસભામાં ઠરાવો પસાર કર્યા છે, જેમાં હરીપર ગ્રામ પંચાયતની ખાસ ગ્રામસભા તારીખ 24/4/2025 ના ઠરાવ નંબર 7 તથા મુદ્દા નંબર 7 અને રામપર તથા મોટી વેરાવળ ગ્રામ પંચાયતની ખાસ ગ્રામસભા તારીખ 02/05/2025 ના ઠરાવ નંબર 1 તથા મુદ્દા નંબર 1 ની નકલો અરજી સાથે સામેલ કરવામાં આવી છે. અરજદારોએ વિશેષમાં જણાવ્યું છે કે જુના સમયથી ચાલતા રસ્તા દરેક સર્વે નંબરમાં દર્શાવેલા હોતા નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે રસ્તો બંધ કરી દેવાય. તેના ઉદાહરણ તરીકે જામનગર થી લાલપુર જતી સડકનો ઉલ્લેખ કરાયો છે જે હરીપર ગામના નકશામાં ખેડૂત ખાતેદારના સર્વે નંબરમાંથી જ પસાર થાય છે અને હાલ આ રોડનો બહોળો ઉપયોગ પણ થાય છે, જેનો સમગ્ર માલિકી હક 7/12 મુજબ જે તે ખાતેદાર ખેડૂતના ખેતરમાંથી પસાર થાય છે. આમ રાજાશાહી વખતથી ચાલતા રસ્તા હાલ પણ ઉપયોગમાં છે તે સ્પષ્ટ છે.
વધુમાં, મોટી વેરાવળ ગામના સીમતળ નકશામાં જુના સર્વે નંબર 308 અને 329 માં પેટા માર્ગ દર્શાવેલ છે અને મોજે હરીપરથી આવતો રસ્તો પણ બતાવેલ છે, જોકે હરીપર ગામના સીમતળના નકશામાં જૂનો સર્વે નંબર 246 અને 249 પર ચાલતો રસ્તો જે તે સમયે દર્શાવેલ નથી, પરંતુ સીમતળના નકશામાં મોજે હરીપર થી વેરાવળ જવાનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે. ગામના નકશામાં દરેક ખેતરમાં રસ્તા બતાવવામાં આવતા ન હોવા છતાં દરેક ખાતેદારો એકબીજાના ખેતરમાંથી રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ અહીં તો સીમતળના નકશામાં જ મોજે હરીપર થી વેરાવળ જવાના રસ્તાનો સ્પષ્ટ ઉલ્લેખ છે, જે આ માર્ગના અસ્તિત્વનો મજબૂત પુરાવો છે.
આમ, બંને ગામને જોડતો આ રાજાશાહી માર્ગ ઉપર દર્શાવેલ સર્વે નંબર ઉપરથી જ નીકળતો હોવાથી તેને તાત્કાલિક અસરથી ખુલ્લો કરાવવા અને રસ્તાની જગ્યા બંધ કરવા અંગે તેમજ રસ્તો બંધ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અરજીમાં માંગણી કરવામાં આવી છે. અરજદારોએ જણાવ્યું છે કે જો આ દબાણ કરનારાઓ સ્વેચ્છાએ રસ્તાનું દબાણ ખુલ્લું ન કરે, તો પોલીસ પ્રોટેક્શન હેઠળ મામલતદાર મારફત આ રસ્તો ખુલ્લો કરાવી આપવો જોઈએ. મોટી વેરાવળ, રામપર અને હરીપર ગામના ખાતેદારોએ આ રાહમાર્ગ રાજાશાહી માર્ગ તત્કાલીક પ્રભાવથી ખુલ્લો કરી આપવા માટે ગામજનો વતી નમ્ર વિનંતી કરી છે અને આ અંગે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ઘટતું કરવા રજૂઆત કરાઈ છે.
