સતાધારના સમાધિ સ્થાનને બદનામ કરવા વિવાદ ઊભો કરાયો : વણઝારા

સતાધાર સત્યના પાયા પર રચાયેલું છે, આક્ષેપમાં તથ્ય જણાશે તો તેનો પણ રસ્તો થશે : ગણેશદાસબાપુ મહંત વિજયબાપુના સમર્થનમાં સંતો-મહંતોની બેઠક યોજાઇ, સુખદ સમાધાન માટે…

સતાધાર સત્યના પાયા પર રચાયેલું છે, આક્ષેપમાં તથ્ય જણાશે તો તેનો પણ રસ્તો થશે : ગણેશદાસબાપુ

મહંત વિજયબાપુના સમર્થનમાં સંતો-મહંતોની બેઠક યોજાઇ, સુખદ સમાધાન માટે પણ પ્રયાસો

વિસાવદર નજીક આવેલા સતાધાર ધામના મહંત વિજય બાપુ પર તેના સગાભાઈ દ્વારા વ્યભિચાર અને ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. જેને લઈ થોડો સમય પહેલા આ મામલે વિજય બાપુએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યાં હતા. તેમજ ગિરનાર છાયા મંડળના સાધુ સંતો દ્વારા વિજય બાપુ સાથે બેઠક યોજી ગુજરાત ભરના સાધુ સંતોએ વિજય બાપુના સમર્થનમાં આવવા અપીલ કરી હતી. ગુજરાત ભરના સાધુ-સંતો સતાધાર ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના ઉપાધ્યક્ષ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.


ગુરુવંદ સનાતન ધર્મના અધ્યક્ષ ડી જી વણઝારાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સનાતન ધર્મના અને તમામ સંપ્રદાયના સાધુ-સંતો અને આગેવાનો સતાધારમાં ઉપસ્થિત થયા છીએ. અહીં આવનાર સાધુ-સંતોનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે, હાલમા સતાધાર મામલે જે વિવાદ ઊભો થયો છે. આ વિવાદ સનાતન ધર્મને બદનામ કરવા માટેનો વિવાદ છે. આ સમાધિના સ્થાનને બદનામ કરવા માટેનો આ વિવાદ છે. વિજયદાસ બાપુની બદનક્ષી થાય તે માટે અહીં આશયથી આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. આ વિવાદમાં કોઈપણ પ્રકારના આધાર પુરાવા નથી. આજે જે સાધુ-સંતો અને મહાત્માઓ અહીં ઉપસ્થિત રહ્યા તે તમામે વિજય બાપુને પોતાનો ટેકો અને સપોર્ટ એક મતે જાહેર કર્યો છે. સાધુ સંતોએ વિવાદ મામલે ઈચ્છા વ્યક્ત કરી છે કે, જે વિવાદ ઊભો કરવામાં આવ્યો છે તેનો સુખદ સમાધાન કરવામાં આવશે. ખૂબ જ ટૂંકા સમયમાં આ મામલે સુખદ સમાધાન લાવવામાં આવશે.


વડવાળા રામજી મંદિર ઝાંખના મહંત ગણેશદાસ બાપુએ જણાવ્યું હતું કે, આજે તમામ સાધુ સંતો સનાતન સત્યની ધરોહર સમા સતાધાર ખાતે આવ્યાં હતા. સતાધારની જગ્યા પર જે આક્ષેપ કરવામાં આવ્યાં છે. સાધુઓ અને સનાતનીઓનું દિલ દુભાય છે. ત્યારે વિજયદાસ બાપુ સાથેના સાધુ-સંતોને ખૂબ ભાવ છે. સતાધારમાં વિજય બાપુ દ્વારા રાત દિવસ સેવા કરવામાં આવે છે. ત્યારે વિજય બાપુ પર જે આક્ષેપો કરવામાં આવ્યાં છે જેને લઈ આજે સમગ્ર ગુજરાતભરના સાધુ સંતો અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં આવ્યાં છે. સૌ સાધુ સંતોએ વિજય બાપુને આશ્વાસન આપ્યું છે કે, સત્ય એ સત્ય છે અને સતાધાર એ સત્યના પાયા પર રચાયેલુ છે.

સતાધાર જેવો રોટલો અને ઓટલો કોઈએ કોઈને આપ્યા નથી. આવી આ પરંપરાની જગ્યા પર જ્યારે આક્ષેપો થઈ રહ્યા હોય તે ખૂબ જ દુ:ખની વાત છે. આક્ષેપોને લઈ આજે સતાધાર ખાતે સાધુ સંતોએ વિજય બાપુ સાથે બેઠક યોજી હતી. વિજય બાપુને આશ્વાસન આપ્યું છે કે, સૌ સાધુ સંતો તમારી સાથે છે. વિજય બાપુ પર કરાયેલા આક્ષેપોમાં જો તથ્યો જણાશે તો તેનો પણ નિકાલ કરાશે અને તેનો પણ રસ્તો થશે. તેમજ સમાધાન ફોર્મ્યુલામાં તમામ સાધુ સંતો વિજય બાપુને સાથ સહકાર આપી આ વિવાદનો ઉકેલ લાવશે.


રામજી બાપુએ જણાવ્યું હતું કે, ગુજરાત ભરના સાધુ-સંતો સતાધારના વિવાદ મુદ્દે ચિંતિત હતા. ત્યારે ગુજરાત ભરના સાધુ-સંતો સતાધાર વિજય બાપુની શુભેચ્છા મુલાકાત અને સત્યને જાણવા સતાધાર પહોંચ્યા હતા. સૌ સાધુ સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત કરી હતી. થોડા જ સમયમાં વિવાદ મામલે જે સત્ય હશે તે બહાર આવશે. સનાતન ધર્મના મંદિરો કે જ્યાં ઉજળી પરંપરા ચાલી રહી છે.

અમારા ભાઇઓ પણ નરાધમ દુર્યોધન થઇને આવ્યા : રમણીકભાઇ
સતાધારના મહંત વિજયબાપુના ભાઈ રમણીકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, નાનપણની વાત છે, અમે છ ભાઈઓ છીએ, બે મારાથી મોટા અને ત્રણ મારાથી નાના અને બે બહેનો. અમે મજૂરી કરીએ છીએ, અમે વિજય બાપુને ભણાવ્યાં છે, જે જેના લલાટમાં હોય તે ન ભુસાય. બાપુ આવ્યાં અમને ગર્વ છે, એક બે જ્યારે આવા નીકળે તો તેની પાછળ સોસવુ પડે બધાને. વધુમાં જણાવ્યું કે, નિતીન ભાઈએ બાપુ પર જે આક્ષેપો કર્યા છે તે વ્યાજબી નથી. આવું ક્યારેય વ્યાજબી ન હોય. તેને ક્યાં તકલીફ છે? શું તકલીફ છે? કોની તકલીફ છે ? અમને પણ ત્યાં રહેવા દેતો નથી શું કરવું. બે છે એવા એક નાનજી મોહન અને એક નીતિન મોહન. આ બંને છે અમારા ભાઈઓ પણ નરાધમ દુર્યોધન થઈને આવ્યાં છે. કા આ શિશુપાલ હોય. નહિતર અમારી દશા આવી ન હોય. એ નથી સમજતો, મેં બે વર્ષથી તેને ફોન કરવાનુ પણ બંધ કરી દીધુ છે.

મહંતના ભાઇ દ્વારા કરાયા છે આક્ષેપો
સતાધારની જગ્યાના મહંત પર સગા ભાઈ દ્વારા જ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યાં છે. સતાધાર મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. મહંતના સગાભાઈ નીતિન ચાવડાએ સતાધારમાં જ રહેતી મહિલા ગીતા વ્યાસ અને વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. ગીતા વ્યાસે વિજય બાપુને બ્લેકમેલ કરી સતાધારના કરોડો રૂૂપિયા પડાવી લીધા હોવાના પણ આક્ષેપ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *