પાલિકા, મહાનગરપાલિકા અને સ્થાનિક સત્તામંડળોને સત્તા આપી દેતી રાજ્ય સરકાર
લાંબા સમયથી મંજૂરી વાંકે અટકેલા અનેક પ્રોજેક્ટ શરૂ કરવાનો માર્ગ મોકળો
ગુજરાત સરકારે ડેવલપમેન્ટ પ્લાનની મંજૂરીના વાંકે અટકેલા વિકાસકામોને મંજૂરી આપવાની સતા સ્થાનિક નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ તથા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઓને આપી દેતા સરકારમાં મંજૂરી માટે અટકેલા ડી.પી.ના કારણે ઠપ થઇ ગયેલા અનેક વિકાસકામોને મંજૂરી મળવાનો માર્ગ મોકળો થયો છે.
રાજ્યમાં આવેલા શહેરો- નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ભળેલા નવા વિસ્તારોમાં હવે ઝડપી વિકાસ જોવા મળશે. હાલમાં વિકાસ યોજના બનેલી ન હોવાના કારણે આવા નવા ભળેલા વિસ્તારોમાં વિકાસ પરવાનગી આપવામાં આવતી ન હતી. જેના કારણે અનેક ‘અભિપ્રાય’ માટે આવેલી દરખાસ્તોની મંજૂરી અટકી હતી.
જોકે, શહેરી વિકાસ વિભાગ દ્વારા નવા ભળેલા વિસ્તારોમાં વિકાસ યોજના પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી જે તે સત્તામંડળને વિકાસ પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે નવા ભળેલા વિસ્તોરમાં બાંધકામ માટેની મંજૂરી મળવાનું શરૂૂ થતાં આ વિસ્તારોનો વિકાસ પણ બુલેટ સ્પિડે થશે. રાજ્ય સરકારે એક નોટીફીકેશન બહાર પાડી મંજૂરી આપી છે જેમાં જણાવ્યુ છેકે રાજ્યમાં આવેલા શહેરો અને નગરોમાં ભળતા નવા વિસ્તારોમાં અટકી પડેલી બાંધકામની મંજૂરી માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા લીલીઝંડી અપાતા હવે આ નવા વિસ્તારોમાં બાંધકામની મંજૂરીએ ઝડપથી મળતી થશે.
હાલમાં શહેરો- નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ભળતા નવા વિસ્તાર કે જ્યાં હાલમાં કોઈ વિકાસ યોજના બનેલી ન હોય અને તેમાં ઝોનીંગ ન હોવાના કારણે વિકાસ પરવાનગી આપી શકાતી ન હતી. આવા વિસ્તારો કે જ્યાં અગાઉ કોઈ વિકાસ યોજના ન હોવાથી નવેસરથી બેઝમેપ તૈયાર કરવા તથા હયાત જમીન વપરાશની વિગતો મેળવવામાં સમય વેડફાતો હતો. જેથી નવા ભળેલા વિસ્તારોની વિકાસ યોજના જ્યાં સુધી કલમ-13 હેઠળ પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી વિકાસ પરવાનગી આપી શકાતી ન હોવાથી બાંધકામની પરવાનગી માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જેથી લોકોને મુશ્કેલી ન પડે તે માટે આવા વિસ્તારોમાં જે તે સત્તામંડળ વિકાસ પરવાનગી આપી શકે તે બાબતે સરકાર દ્વારા નિર્ણય કરાયો છે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા કરાયેલા ઠરાવ અનુસાર, શહેર- નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ભળતા નવા વિસ્તારોની વિકાસ યોજના જ્યાં સુધી કલમ-13 હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવે ત્યાં સુધી નક્કી કરેલી માર્ગદર્શિકાને ધ્યાને લઈને જે તે સત્તામંડળ દ્વારા વિકાસ પરવાનગી આપવા માટે હુકમ કરાયો છે, અને તેનો તાત્કાલીક અસરથી અમલ કરવાનો રહેશે. ઠરાવ અનુસાર, સત્તામંડળમાં ભળતા નવા વિસ્તારોમાં મહાનગરપાલીકા- નગરપાલીકાની હદમાં વધારો થયા તારીખ અગાઉ નગર આયોજન અને મુલ્યાંકન ખાતાના સંબધિત નગર નિયોજકની કચેરીમાં જે હેતુ માટે લે-આઉટ- બિલ્ડીંગ પ્લાનના અભિપ્રાય માટે તેમની કચેરીમાં પ્રકરણ રજુ થયેલો હોય અને ચકાસણી ફી ભરપાઈ કરેલી હોય અને નિર્ણય થયેલો ના હોય, તેવા પ્રકરણોમાં તે જ હેતુ માટે અને તેટલા જ ક્ષેત્રફળ પુરતા CGDCRની ડી-10 કેટેગરી મુજબના નિયમો લાગુ કરી જે તે સત્તામંડળ ઓફલાઈન પરવાનગી આપી શકશે.
ઉપરાંત, નગરપાલીકાની હદમાં વધારો થયા બાદ અને સત્તામંડળમાં આવા વિસ્તાર ભળ્યા તારીખ અગાઉ જો નગરપાલીકા સમક્ષ પ્રકરણ રજુ થયેલો હોય અને ચકાસણી ફી ભરપાઈ કરેલી હોય અને નિર્ણય થયેલો ના હોય, તેવા પ્રકરણોમાં તે જ હેતુ માટે અને તેટલા જ ક્ષેત્રફળ પુરતા CGDCRની ડી-8 કેટેગરી મુજબ નિયમો લાગુ કરી જે તે સત્તામંડળ ઓફલાઇન પરવાનગી આપી શકશે. આ બંને સિવાયના કિસ્સામાં આવા વિસ્તારની નવી વિકાસ યોજના અને તેને સંલગ્ન વિનિયમો અધિનિયમની કલમ-13 હેઠળ પ્રસિધ્ધ ન થાય ત્યા સુધી જે તે સત્તામંડળની હાલની CGDCRની કેટેગરી મુજબના વિનિયમો લાગુ કરી, ફકત મુળ ગામતળની 300 મી.ની પેરીફરીમાં રહેણાંક – કોમર્શીયલના હેતુ માટે તથા તે સિવાયના વિસ્તારમાં ખેતીઝોન મુજબ CGDCR અનુસાર સત્તામંડળ ઓફલાઇન પરવાનગી આપી શકશે.સરકારે આ અંગે એક નોટીફીકેશન બહાર પાડી અમલ કરવા આદેશ કર્યો છે.
