ભાવનગરમાં નવરાત્રીના બંદોબસ્તમાં ગેરહાજર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, ચાર હોમગાર્ડ જવાન ઘરભેગા

ભાવનગરમાં નવરાત્રીના બંદોબસ્ત દરમિયાન ફરજ પર ગેરહાજર રહેનાર પોલીસ કર્મચારીઓ સામે જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે. નવરાત્રી ના તહેવાર દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી દાખવનાર…

ભાવનગરમાં નવરાત્રીના બંદોબસ્ત દરમિયાન ફરજ પર ગેરહાજર રહેનાર પોલીસ કર્મચારીઓ સામે જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે. નવરાત્રી ના તહેવાર દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી દાખવનાર એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જ્યારે ચાર હોમગાર્ડ જવાનોને સેવામાંથી દૂર કરીને ઘરભેગા કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

નવરાત્રી દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગરબા સ્થળો, ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને હોમગાર્ડના જવાનોને ફરજ સોંપવામાં આવી હતી. આ દરમિયાન ફરજ પર હાજર રહેવાને બદલે ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજુભાઈ કાળુભાઈ બંદોબસ્તમાં ગેરહાજર માલુમ પડતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ નીલમબાગ વિસ્તારમાં જ ફરજ પર રહેલા હોમગાર્ડ જવાન મનીષભાઈ અભાણી અને જાગૃતિબેન કામડને પણ ગેરહાજર રહેવા બદલ સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત બોર તળાવ પોલીસ સ્ટેશનના ચિત્રા વિસ્તારમાં બંદોબસ્તમાં ગેરહાજર રહેનાર હોમગાર્ડ જવાન યુવરાજસિંહ સોઢા અને જ્ઞાનદીપસિંહ રાણાને પણ સેવામાંથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ આ તમામ સામે કાર્યવાહીનો હુકમ કર્યો છે. એસપી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, તહેવારો દરમિયાન બંદોબસ્તમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ગેરહાજરી ચલાવી લેવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *