કોંગ્રેસને પોતે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી કશું શીખવામાં રસ નથી કે એ ભૂલ સ્વીકારવા જેટલી ખેલદિલી પણ તેનામાં નથી. ભૂતકાળમાં પોતે કરેલાં મહાપાપોને કોંગ્રેસ પશ્ચાતાપથી નહીં પણ ભાજપ પર પ્રહારો કરીને ભૂલાવવા માગે છે. આડકતરી રીતે કોંગ્રેસ પોતે ભાજપ કરતાં બહેતર છે એવું સાબિત કરવા મથે છે. આ દયનિય માનસિકતા કહેવાય અને ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને 50 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ભાજપે કરેલા પ્રહારોનો જવાબ આપતાં કોંગ્રેસે કરેલાં નિવેદનો આ વાતનો પુરાવો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓએ 25 જૂન, 1975ના રોજ લદાયેલી કટોકટી બદલ દર વરસની જેમ આ વરસે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, કટોકટી દરમિયાન બંધારણની ભાવનાનું ઉલ્લંઘન કેવી રીતે કરવામાં આવ્યું હતું એ વાત કોઈ પણ ભારતીય ક્યારેય ભૂલી શકશે નહીં.
ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી આ દેશના ઈતિહાસમાં સૌથી કલંક્તિ પ્રકરણ છે. ઈન્દિરા ગાંધીની સત્તાલાલસા સંતોષવા લદાયેલી કટોકટી દરમિયાન કોંગ્રેસ સરકારે લોકશાહીનું ગળું ટૂંપી નાંખ્યું હતું. કોંગ્રેસ વિરોધી પક્ષ તરીકે ભાજપ કોંગ્રેસના આ મહાપાપની વાત કરે એ યોગ્ય જ છે પણ કોગ્રેસને આ વાત પચી નથી ને કોંગ્રેસની ઇન્દિરા ગાંધીની સરકારે લાદેલી કટોકટી માટે માફી માગવાની તૈયારી પણ નથી તેથી કોંગ્રેસે જૂનો ને જાણીતો અઘોષિત કટોકટીનો રાગ આલાપી દીધો. ભાજપે કટોકટીની વર્ષગાંઠને ’સંવિધાન હત્યા દિવસ’ ગણાવી તેનાથી ગિન્નાયેલી કોંગ્રેસે આક્ષેપ મૂક્યો છે કે, છેલ્લા 11 વર્ષથી એટલે કે 2014થી ભારતીય લોકશાહી પર વ્યવસ્થિત અને ખતરનાક એવા પાંચ પ્રકારના હુમલા થયા છે.
કોંગ્રેસે આ સમયગાળાને અઘોષિત કટોકટી11 ગણાવીને કહ્યું છે કે, મોદી સરકાર સંસદને નબળી બનાવી રહી છે અને સંસદીય ધારાધોરણોનો સતત ભંગ કરી રહી છે. જાહેર ચિંતાના મુદ્દા ઉઠાવનારા સાંસદોને મનસ્વી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્ત્વના કાયદાઓને બુલડોઝર દ્વારા દૂર ધકેલી દેવામાં આવે છે અને સંસદીય સમિતિઓને બાયપાસ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશના કહેવા પ્રમાણે મોદી સરકાર અનિયંત્રિત દ્વેષપૂર્ણ વર્તન કરી રહી છે અને નાગરિક સ્વતંત્રતા પર તરાપ મારી રહી છે. મોદી સરકારની કહેવાતી અઘોષિત કટોકટીમાં આવા કોઈ અત્યાચાર જોવા મળ્યા છે ખરા ? બિલકુલ નહીં. કોંગ્રેસે સત્તાવાર રીતે બંધારણને તોડીમરોડીને કટોકટી લાદી હતી. દેશના ઈતિહાસમાં કદી ના જોવા મળ્યો હોય એવો માહોલ ને અંગ્રેજોને પણ સારા કહેવડાવે એવા અત્યાચાર કટોકટી કાળમાં આ દેશે જોયા. કોંગ્રેસે તેના માટે દેશની માફી માગવી જોઈએ ને પસ્તાવો કરવો જોઈએ.
