સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે 20મી સુધી સેન્સ પ્રક્રિયા, 50 ટકા ટિકિટો યુવાનોને અપાશે: અમિત ચાવડા
ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને આવતીકાલ તા.11 માર્ચથી સતત 10 દિવસ સુધી જિલ્લા-તાલુકા પંચાયતો તેમજ પાલિકા- મહાપાલિકાઓના ઉમેદવારોની સેન્સ પ્રક્રીયા શરૂ કરવામાં આવનાર છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવતીકાલથી કોંગ્રેસના નિરિક્ષકો દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા સાથે નવા મતદારોને કોંગ્રેસ સાથે જોડવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે. આ માટે કયુઆર કોડ જાહેર કરવામાં આવ્યા છે અને યુવાનોને કોંગ્રેસમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં 50 ટકા બેઠકો ઉપર યુવાનોને તક આપવામાં આવશે અને ટિકિટ માટે પ્રાથમિકતા પણ યુવાનોને અપાશે. જયારે 50 ટકા ટિકિટો 50 વર્ષથી મોટી ઉંમરના કાર્યકર્તાઓને આપવામાં આવશે.
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે પોતાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ગુજરાતની 15 મહાનગર પાલિકા, 34 જિલ્લા પંચાયત, 262 તાલુકા પંચાયત અને 83 નગરપાલિકાઓની લગભગ 10,000 જેટલી બેઠકો પર આ ચૂંટણીઓ યોજાવાની છે, જે ગુજરાતના 95% વિસ્તારને આવરી લે છે. કોંગ્રેસ પક્ષે આ માટે સંગઠન સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી છે અને આગામી 11 માર્ચથી 20 માર્ચ સુધી આખા ગુજરાતમાં સંભવિત ઉમેદવારોને રૂૂબરૂૂ સાંભળવાની અને પેનલ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વખતે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં પ્રદેશ સમિતિનો સીધો હસ્તક્ષેપ નહીં રહે અને સ્થાનિક કક્ષાની સમિતિઓ જ ઉમેદવારોના નામ નક્કી કરશે તેવી મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે.
ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પારદર્શિતા લાવવા માટે કોંગ્રેસે 15 મહાનગરપાલિકાઓ માટે એક ઓનલાઇન પ્લેટફોર્મ અને કયુઆર કોડ પણ જાહેર કર્યો છે. જે કોઈપણ શિક્ષિત કે સેવાભાવી વ્યક્તિ જાહેર જીવનમાં આવીને કામ કરવા માંગતી હોય, તે આ ચછ કોડ સ્કેન કરીને પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. આ પ્રક્રિયા દ્વારા કોંગ્રેસ એવા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવા માંગે છે જેઓ ભ્રષ્ટાચાર સામે લડવા અને પ્રજાલક્ષી વહીવટ આપવા માટે કટિબદ્ધ હોય.
આ ઉપરાંત મતદાર યાદીમાં થયેલા મોટા ફેરફારો અંગે આક્ષેપ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની મતદાર યાદીમાં વર્ષોથી મોટાપાયે ગોટાળા અને વોટ ચોરી ચાલતી હતી. જઈંછની પ્રક્રિયા બાદ જે નવી યાદી બહાર પડી છે, તેમાં આશરે 70 લાખ જેટલા બોગસ કે ડુપ્લીકેટ મતદારોના નામ કમી થયા છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે છેલ્લા 20 વર્ષથી ભાજપ શાસન આ પ્રકારની ખામીયુક્ત મતદાર યાદીના આધારે જ ચૂંટણીઓ જીતતું આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, હાલની સરકાર 30% કમિશનની સરકાર છે અને જ્યાં સુધી કમલમમાં કમિશન ન પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા નથી.
