ઉપલેટા પાલિકામાં કોંગ્રેસનો હલ્લાબોલ: ચીફ ઓફિસરના ટેબલ પર કચરો ઠાલવ્યો

ઉપલેટા શહેરમાં સફાઈ વ્યવસ્થા અને ગંદકીના પ્રશ્ને રાજકારણ ગરમાયું છે. ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળે તે પહેલાં જ કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોએ નાગરિકોની સમસ્યાને લઈ…

ઉપલેટા શહેરમાં સફાઈ વ્યવસ્થા અને ગંદકીના પ્રશ્ને રાજકારણ ગરમાયું છે. ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળે તે પહેલાં જ કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોએ નાગરિકોની સમસ્યાને લઈ પાલિકા તંત્ર સામે મોરચો માંડ્યો હતો અને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી ખોરંભે પડી છે. કચરો એકત્ર કરતા વાહનો અનિયમિત આવતા હોવાને કારણે શહેરની શેરીઓ અને મહોલ્લાઓમાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું. ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણભાઈ ભોપાળા અને અન્ય ચૂંટાયેલા સદસ્યો શહેરના વિવિધ વિસ્તારોમાંથી કચરાની થેલીઓ ભરીને સીધા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા.

કોંગ્રેસના કાર્યકરો ચીફ ઓફિસરની ચેમ્બરમાં પ્રવેશ્યા હતા અને સાથે લાવેલો કચરો ચીફ ઓફિસરના ટેબલ પર ઠાલવી દીધો હતો. આ દ્રશ્યો જોઈને કચેરીમાં સોપો પડી ગયો હતો. લખમણભાઈ ભોપાળાએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે, “વાહનોની અનિયમિતતાને કારણે ગલીઓમાં ગંદકીના ગંજ ખડકાયા છે. આજે અમે જાતે કચરો એકઠો કરી ચીફ ઓફિસર સાહેબને સુપરત કર્યો છે. કોંગ્રેસ પ્રમુખે ચીફ ઓફિસર સમક્ષ બે હાથ જોડીને નમ્ર પણે ઉગ્ર રજૂઆત કરી હતી કે, ઉપલેટાની જનતાને આ ગંદકી અને કચરાની સમસ્યામાંથી તાત્કાલિક ધોરણે મુક્તિ અપાવવામાં આવે. જનરલ બોર્ડ પૂર્વે થયેલા આ હલ્લાબોલે પાલિકાના વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *