ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ, એઆઈસીસીના પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
મશાલ રેલી પહેલા અહીંના યોગ કેન્દ્ર ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે શક્તિસિંહ ગોહિલે બેઠક યોજી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનોને કોંગ્રેસમાં જોડાવા શક્તિસિંહ હાકલ કરી હતી. શક્તિસિંહએ વોટ ચોરી બાબતે જણાવ્યું હતું કે ગુજરાતમાં પેપર ફૂટે, વિધાર્થીઓ આંદોલન કરે, આશાવર્કર, આંગણવાડીની બહેનો પોતાના હક્ક માટે લડે, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ, ફિક્સ પે, કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ લડત કરે, ખેડૂતો પાક વિમો, જમીન માપણીની લડત કરે પણ આ સરકારના પેટનું પાણી નથી હલતું કેમ કે સરકાર જ વોટ ચોરી કરીને બને છે એટલે તેમને મત નો ડર જ નથી રહ્યો. માટે ગુજરાતના યુવાનોએ વોટચોરી સામે ચાલતી લડતમાં સામેલ થવું જોઈએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ખેડૂતો, માછીમાર ભાઈઓ, દલિતો, વંચિતો, પીડિતો દરેક સમુદાયની લડતમાં કોંગ્રેસના એક એક સિપાહીએ લડત કરવી જોઈએ લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ અને આ વોટચોરો સામે લડવું જોઈએ
આ મસાલ રેલીમાં સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા, ભીખુભાઈ વારોતરિયા, ડો. રણમલભાઈ વારોતરિયા સહિતના આગેવાનો પણ જોડાયા હતા.
