સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કોંગ્રેસે ‘કચરો’ કાઢયો

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સબ રજીસ્ટ્રાર કચેરી, રાજકોટ ઝોન-3 ખાતે સરકારી તંત્રની બેદરકારી સામે વિરોધ નોંધાવી કચેરી પરિસરમાં પડેલા કચરાના ઢગલાઓની સફાઈ કરવામાં…

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સબ રજીસ્ટ્રાર કચેરી, રાજકોટ ઝોન-3 ખાતે સરકારી તંત્રની બેદરકારી સામે વિરોધ નોંધાવી કચેરી પરિસરમાં પડેલા કચરાના ઢગલાઓની સફાઈ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સતત સ્વચ્છતા અને વિકાસના દાવા કરી પોતાની વાહવાહી કરવામાં વ્યસ્ત છે, પરંતુ જમીન પરની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. સરકારી કચેરીના પરિસરમાં જ કચરાના ઢગલા જોવા મળતા તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારી સ્પષ્ટપણે ઉજાગર થઈ છે.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જે સરકાર સમગ્ર રાજ્યને સ્વચ્છતાના પાઠ ભણાવવાનો દાવો કરે છે, તે સરકારના પોતાના સરકારી કચેરીઓના પરિસરમાં જ કચરાના ઢગલા જોવા મળે છે, તે અત્યંત શરમજનક બાબત છે. ભાજપ સરકાર માત્ર જાહેરાતો અને સ્વપ્રચારમાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન છે. જો સરકારી તંત્ર પોતાની કચેરીઓ જ સ્વચ્છ રાખી શકતું ન હોય તો શહેરની સ્વચ્છતાના દાવાઓ સંપૂર્ણપણે ખોખલા સાબિત થાય છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આજે પ્રતિકાત્મક રીતે સફાઈ કરી સરકારી તંત્રની પોલ જનતા સમક્ષ ખુલ્લી પાડી છે.

સરકારી કચેરીઓ સહિત સમગ્ર શહેરમાં નિયમિત સ્વચ્છતા જળવાય એ માટે જવાબદાર અધિકારીઓ એ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી હતી કે જો તંત્ર માત્ર કાગળ પરની કામગીરી અને ફોટોશૂટ સુધી જ સીમિત રહેશે અને વાસ્તવિક પ્રશ્નોના નિરાકરણમાં નિષ્ફળ જશે, તો કોંગ્રેસ જનહિતના પ્રશ્નો માટે વધુ ઉગ્ર જનઆંદોલન કરશે. આ કાર્યક્રમ માં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા સહિત ગોપાલ અનડકડ, ડી.પી મકવાણા, નીતિન ભંડેરી,આદિત્યસિંહ ગોહિલ, ડી.બી.ગોહિલ, રણજીત મુંધવા, ભાવેશ વાઘેલા,હિરલ રાઠોડ, દીપુ રવિયા,જયદીપ મયાત્રા, નરેન્દ્ર પટેલ,રમેશ જુંજા,ઘનશ્યામસિંહ જાડેજા,અહેસાન ભાઈ,સલીમ કારિયાણી,ભૂમિન પટેલ ,જયેશ પાટડિયા, વગેરે હોદ્દેદારો, અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *