ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને 17 મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે આ ઢંઢેરો પ્રસિદ્ધ કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “આ માત્ર કોઈ ચૂંટણીલક્ષી વચનપત્ર નથી, પરંતુ ભાવનગરની જનતા સાથેનું અમારું કમિટેમેન્ટ છે, જેને અમે સત્તામાં આવતાની સાથે જ પૂરું કરવા માટે કટિબદ્ધ છીએ.”
પત્રકાર પરિષદને સંબોધતા ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપના 30 વર્ષના શાસનમાં હજુ સુધી શહેરનો ’રિંગ રોડ’ પૂર્ણ થયો નથી. કોંગ્રેસ સત્તા પર આવશે તો આ કામ અગ્રતાના ધોરણે પૂર્ણ કરાશે. તેમણે ઉમેર્યું કે આધુનિક ભારતનો પાયો કોંગ્રેસે નાખ્યો છે અને નાના ગામથી લઈને મોટા શહેરો સુધીના વિકાસમાં કોંગ્રેસનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે.
ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાસ: વર્ષોથી રાવળહક્ક જમીન અને મફતનગરમાં વસવાટ કરતા લોકોને ટોકન દરે મકાન કાયદેસર કરી આપવાની ખાતરી.મહિલા અને વિદ્યાર્થીઓને રાહત: સિટી બસમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનોને વિનામૂલ્યે મુસાફરી પાસ આપવામાં આવશે.વેપારીઓ માટે સુવિધા: નાના પાથરણાવાળા ધંધાર્થીઓ માટે 120 સ્થળોએ ’વેન્ડર ઝોન’ અને વેપારીઓ માટે પારદર્શક ટેક્સ માળખું.
આરોગ્ય અને શિક્ષણ: દરેક વોર્ડમાં આધુનિક આરોગ્ય કેન્દ્ર અને શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાં નવી હોસ્પિટલો તથા કોર્પોરેશનની શાળાઓમાં સ્માર્ટ ક્લાસ દ્વારા ઉચ્ચ શિક્ષણ.પાણી અને ટ્રાફિક: શહેરમાં સવાર-સાંજ બે સમય પૂરતા પ્રેશરથી શુદ્ધ પીવાનું પાણી અને ટ્રાફિક સમસ્યાના કાયમી નિકાલ માટે સ્પેશિયલ ’ટાસ્ક ફોર્સ’ની રચના.સાંસ્કૃતિક અને સામાજિક: મધ્યમ વર્ગના પ્રસંગો માટે પૂર્વ-પશ્ચિમ ઝોનમાં નવા પાર્ટી પ્લોટ અને સાંસ્કૃતિક હોલના ભાડામાં ઘટાડો.
આ મેનિફેસ્ટો જાહેર થતાની સાથે જ શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસે દરેક વોર્ડમાં કોર્પોરેશન સંચાલિત સુવિધા કેન્દ્રો અને કુંભારવાડા રેલવે ફાટક પર ફ્લાયઓવર જેવી પાયાની જરૂૂરિયાતોને વણી લઈને મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો છે.
