ચુંટણી પંચ દ્વારા સરની કામગીરી કરવામાં આવી હતી જેમાં રાજકીય પ્રભાવ હેઠળ ફોર્મ 7 ના મોટાપાયે થયેલા સબમીશન અને તેની સ્વીકૃતિ બાબતે તપાસ કરવાની માંગ સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી જીલ્લા કલેકટર મારફત રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારીને આવેદન પાઠવ્યું છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના માર્ગદર્શન હેઠળ આપેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા 2026 અંતર્ગત 19-12-25 ના રોજ મુસદા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જે અનુસંધાને વાંધા, સૂચનો અને હક્ક-દાવા માટે ફોર્મ 6,7 અને 8 ભરવાની છેલ્લી તારીખ 18-01-26 નક્કી કરવામાં આવી હતી પરંતુ અચાનક તા. 16-01 ના થી સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદારના નામ કાઢી નાખવા માટે ફોર્મ 7 હજારોની સંખ્યામાં દાખલ થવા લાગ્યા છે જે ગંભીર ચિંતા ઉપજાવે છે.
ફોર્મ 7 (નામ કાઢી નાખવા માટેનો વાંધો) માત્ર યોગ્ય અને પૂરતા આધાર પુરાવા સાથે જ રજુ કરી સકાય છે મળતી માહિતી અનુસાર સત્તાધારી પક્ષ દ્વારા સુનિયોજીત રીતે ચોક્કસ જાતી, ધર્મ અને રાજકીય પક્ષના મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ફોર્મ 7 દાખલ કરાવવામાં આવ્યા હોવાની આશંકા છે અને ફોર્મ 7 ના આવા સામુહિક સબમીશન દ્વારા સાચા મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાનો પ્રયત્ન થઇ રહ્યો છે જેથી તા. 16 થી 18 સુધીમાં જેટલા પણ ફોર્મ 7 સ્વીકારવામાં આવ્યા હોય તે તમામ કચેરીના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓએ ગેરરીતે ફોર્મ સ્વીકાર્યા હોય તેની ભૂમિકા તપાસવામાં આવે અને કોઈ કાયદાનો ભંગ કરતા જણાય તો કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
