શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરજીને આપેલું વચન પાળતા ધારાસભ્ય અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્યશ્રી શ્રી અમિત ચાવડાએ રાજ્યમાં ગૌવંશના સન્માન અને સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ કરી છે. થોડા સમય પહેલા અમદાવાદ ખાતે પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી અવિમુકેતેશ્વરજીની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં અમિત ચાવડાએ આમંત્રિત મહેમાન તરીકે હાજરી આપી હતી. તે સમયે પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા શરૂૂ કરવામાં આવેલા ’ગૌમાતા રાષ્ટ્રમાતા’ અભિયાનને સમર્થન આપતા અમિત ચાવડાએ જાહેરમાં વચન આપ્યું હતું કે, તેઓ ગૌમાતાના સન્માન અને અધિકારો માટે વિધાનસભામાં અવાજ ઉઠાવશે અને જરૂૂરી કાયદો લાવવા પ્રયત્ન કરશે. પોતાના એ વચનને પૂર્ણ કરતા તેમણે વિધાનસભામાં “ગુજરાત રાજમાતા (ગૌમાતા દરજ્જો, રક્ષણ અને કલ્યાણ) વિધેયક, 2025” રજૂ કર્યું છે.
આ વિધેયક દ્વારા રાજ્યમાં ગૌમાતાને પ્રતીકાત્મક રીતે ’રાજમાતા’નો આદરણીય દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. બિલમાં એવી પણ જોગવાઈ છે કે રાજ્યના દરેક જિલ્લામાં ખાસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે, જે ગૌમાતાના ખોરાક, રહેઠાણ અને આરોગ્યની સુવિધાઓનું નિરીક્ષણ કરે. આ ઉપરાંત, બીમાર કે અશક્ત ગૌમાતાને કતલખાને જતા અટકાવવા અને તેમના કલ્યાણ માટે રાજ્યના બજેટમાંથી વાર્ષિક રૂૂ. 100 કરોડ જેવી રકમ ફાળવવાની દરખાસ્ત પણ મુકવામાં આવી છે. અમિત ચાવડાએ આ બિલ દ્વારા ગૌવંશની સુરક્ષા માટે એક મજબૂત કાયદાકીય માળખું તૈયાર કરવા પર ભાર મૂક્યો છે.
અમિત ચાવડાએ સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે ગૌમાતા અને સનાતનના નામે મતો મેળવીને સરકાર તો બનાવી દીધી, પરંતુ આજે ગૌમાતાની સૌથી વધુ અવગણના થઈ રહી છે. ગૌભક્તિના દાવા કરતી આ સરકારના શાસનમાં ગૌમાતા રસ્તાઓ પર પ્લાસ્ટિક અને કચરો ખાવા મજબૂર છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, સમગ્ર દેશમાં સૌથી વધુ ગૌવંશની કતલના કિસ્સાઓ અને ગૌમાંસની નિકાસની બાબતો ચિંતાજનક સ્તરે પહોંચી છે, જે ભાજપની કથની અને કરણી વચ્ચેનો તફાવત છતો કરે છે.
હવે જ્યારે આ વિધેયક વિધાનસભામાં લાવવામાં આવ્યું છે, ત્યારે સનાતનના નામે ચૂંટાઈને આવેલા ભાજપના પ્રતિનિધિઓએ ગૌમાતા પ્રત્યેની તેમની નૈતિક પ્રતિબદ્ધતા સાબિત કરવી જ રહી. જો ભાજપ ખરેખર ગૌરક્ષક હોય, તો તેમણે આ બિલને પક્ષપાત વગર સમર્થન આપીને ગૌમાતાને તેમનો હક્ક અને સન્માન અપાવવું જોઈએ. શંકરાચાર્યજીને આપેલું વચન પાળીને અમિત ચાવડાએ હવે આ મુદ્દે ભાજપને ખુલ્લા પડકાર ફેંક્યો છે.
