પ્રથમ દિવસે વોર્ડ નં.1થી 9ના ટિકિટ વાંચ્છુઓને સાંભળ્યા, ગાયત્રીબા, અતુલ રાજાણી, મુંધવા, નયનાબા, હેમંત વિરડા, ભરત આહિર સહિતનાએ ટિકિટો માંગી
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર અને માનસિંહ ડોળિયાની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા શરૂૂ થઈ છે, જ્યાં પ્રથમ તબક્કામાં આજે વોર્ડ નંબર 1 થી 9ના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જયારે આવતીકાલે વોર્ડ નંબર 10 થી 18ના ઉમેદવારોને સાંભળી તેમની રજૂઆતો લેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે અને તેના પડઘમ વાગી ગયા છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજકોટના શું હાલ થયા છે તે રાજકોટવાસીઓ ખૂબ સારી રીતે જાણે છે. ત્યારે કોંગ્રેસ પક્ષના જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગે છે, તેઓ ઉત્સાહભેર પોતાની ઉમેદવારી નોંધાવા માટે અને આગામી સમયમાં કઈ રીતે પોતે ચૂંટણી લડીને જીતી શકે તે માટેની ચર્ચાઓ આજે વોર્ડ વાઈઝ કરવા જઈ રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, આજે એક થી નવ વોર્ડના જે જે લોકો લડવા માંગતા હોય, જે સમીકરણો અત્યારે અનામતના આધારે આવ્યા છે, તે પ્રમાણે કોણ સક્ષમ છે એ પોતાની દાવેદારી અને પોતાની રજૂઆતો કરશે, જે આજે સાંભળવાના છીએ. આજે કે કાલે કે આ અઠવાડિયામાં પણ કોઈ ઉમેદવારોની જાહેરાત કે કોઈ સંભવિત ઉમેદવારોની વાત કરવામાં આવવાની નથી. ફક્ત આ સાંભળવાની કોંગ્રેસ પક્ષ તરફથી પ્રક્રિયાની શરૂૂઆત છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, સેન્સ પ્રક્રિયા પછી પણ જે ઉમેદવારો કદાચ આ બે-ત્રણ દિવસમાં પોતાનું મન બનાવી ન શક્યા હોય અને પાછળથી જો તેમની કોઈ રજૂઆત હશે, તો જરૂૂર પડ્યે ફરી એક વખત આવનારા સમયમાં તેમને ધ્યાને લેવામાં આવશે. બપોર સુધીમાં રણજીત મુંધવા, હેમંત વિરડા, ગાયત્રીબા વાઘેલા, નયનાબા જાડેજા, અતુલ રાજાણી, ભરત આહિર વિગેરેએ ટિકિટ માંગી છે.
કામ અને પ્રભુત્વના આધારે ટિકિટોની ફાળવણી: જેનીબેન ઠુંમર
ઉમેદવારોની પસંદગીના માપદંડ અંગે નિરીક્ષક જેનીબેને જણાવ્યું હતું કે, અત્યારે હાલ ઉમેદવારની પસંદગી જે અનામત આવ્યું છે, વોર્ડ વાઈઝ જે રિઝર્વ છે, તેના પ્રમાણે બધા જ ઉમેદવારોને સાંભળવામાં આવશે. તેમનું પોતાના વિસ્તારમાં શું પ્રભુત્વ છે, પોતે વિસ્તારમાં કામગીરી શું છે, સામાજિક સંસ્થાઓ સાથે, પોતાના વિસ્તારના લોકો સાથે તેમના કઈ રીતના સંબંધો અને કઈ રીતની કામગીરી છે, તેના પ્રમાણે મૂલ્યાંકન કરવાની શરૂૂઆત આ બધાને સાંભળી લીધા પછી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા મજબૂત ઉમેદવારો ઉતારવા માટે આ સેન્સ પ્રક્રિયાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પક્ષ દ્વારા જ્ઞાતિગત સમીકરણો અને ઉમેદવારના સ્થાનિક પ્રભુત્વને પ્રાથમિકતા આપીને વિજયી ફોર્મ્યુલા તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
