બગદાણા કેસમાં ‘કોંગ્રેસ’-‘આપ’ના નેતાઓ રાજકીય રોટલા શેકે છે

સરકારની કામગીરી આવકાર્ય, અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ યુવા મહામંત્રીનું સૂચક નિવેદન ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયા પર…

સરકારની કામગીરી આવકાર્ય, અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ યુવા મહામંત્રીનું સૂચક નિવેદન

ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. આ ઘટના પર અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ યુવા મહામંત્રી અશોક ભાલીયાએ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે કેટલાક લોકો રાજકીય સ્વાર્થ માટે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આ ઘટનાનો ઉપયોગ રાજકીય રોટલા શેકવા માટે કરી રહ્યા છે.

કોળી સમાજના મહામંત્રી અશોક ભાલીયાએ જણાવ્યું કે, અત્યારે કોળી સમાજના બે ભાઈઓએ આત્મવિલોપન કરવાની કોશિશ કરી છે. તો અન્ય કેટલાક યુવકોની અટકાયત કરવામાં આવી છે. તો આ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે કોળી સમાજે એકતા બતાવીને કામ કર્યું છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ કોળી સમાજના આગેવાન નેતાઓને હાથો બનાવીને રાજકીય રોટલા શેકવાનું કામ કરી રહ્યાં છે. આ દરમિયાન વધુમાં તેમણે જણાવ્યું કે, આત્મવિલોપનની ઘટનાને હું સખ્ત શબ્દોમાં વખોડું છું.

અશોક ભાલીયાએ જણાવ્યું કે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આંદોલન કરવું પડશે તો આપણે કરીશું પરંતુ કોંગ્રેસ અને આપના નેતાઓ રાજકીય રોટલાઓ શેકી રહ્યાં છે. આમ મહામંત્રીએ નવનીતભાઈના કેસમાં ન્યાય ન મળવા પાછળ કોંગ્રેસને જવાબદાર ઠેરવીને રાજનીતિ કરવાના આરોપ પણ લગાવ્યા હતા. તો આ દરમિયાન સરકાર તરફથી કરવામાં આવતી કામગીરીના વખાણ પણ તેમને કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકાર પાસે આપણે જે માંગણી કરી હતી, તે તમામને સંતોષવામાં આવી છે. એસઆઈટીની રચના કરીને આરોપીઓને ધરપકડ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા બગદાણા ગામમાં નવનીત બાલધિયા પર 8 અજાણ્યા શખ્સોએ ઢોર માર માર્યો હતો. આ હુમલામાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ તપાસમાં નિષ્પક્ષતાના અભાવના આરોપોને કારણે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ કેસની તપાસ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી છે, જેમાં ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી સહિત અન્ય અધિકારીઓનો સમાવેશ છે.

આ કેસમાં કોળી સમાજના આગેવાનોએ મેદાને આવીને ન્યાયની માંગ કરી છે. ગુજરાતના મંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની આગેવાનીમાં ભાવનગરથી બગદાણા સુધી 200 કારની રેલી કાઢવામાં આવી હતી, જેમાં ‘જય જય કોળી સમાજ’ના નારા ગુંજી ઉઠ્યા હતા. આ રેલી દ્વારા સમાજની એકતા દર્શાવવામાં આવી અને નવનીત બાલધિયાને ન્યાય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. કોળી સમાજના 15થી વધુ આગેવાનોએ ન્યાય ન મળે તો આત્મવિલોપનની ધમકી આપી છે, જેનાથી પંથકમાં ચકચાર મચી છે.

બગદાણામાં ચાર યુવાનોએ પણ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે વાતાવરણ વધુ તંગ બન્યું છે.
આ બધા વચ્ચે મહામંત્રી અશોક ભાલીયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, સમાજના કેટલાક લોકો દ્વારા રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ ઘટનાને વધારે ઉછાળીને સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરાયું છે. તેઓએ એમ પણ કહ્યું કે આવા તત્વો સમાજની એકતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કોળી સમાજ એકજૂટ રહેશે અને ન્યાય મેળવશે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચી છે, કારણ કે આ કેસને રાજકીય રંગ આપવાના આરોપો લાગી રહ્યા છે. મંત્રી કુંવરજી બાવળીયા સહિત 15 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરીને SITની માંગ કરી હતી, જે પૂરી થઈ છે.

પાલીતાણા પંથકના કોળી સમાજના આગેવાનોની રાજીનામાની ચીમકી

બગદાણામાં Navneet Baldhiya પર થયેલા જીવલેણ હુમલાનો મામલો હવે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ તપાસમાં થઈ રહેલા વિલંબ અને પુરાવા હોવા છતાં મુખ્ય આરોપીનું નામ FIR માં ન નોંધાતા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત રાત્રે પાલીતાણા ખાતે કોળી સમાજની બેઠક મળી હતી જેમાં કોળી સમાજના લોકોએ પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સુધી રજૂઆત કર્યા બાદ આ કેસ માટે SITની રચના તો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તપાસની કોઈ સ્પષ્ટ વિગતો જાહેર કરવામાં આવી નથી. સમાજનો ગંભીર આક્ષેપ છે કે ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ ઓડિયો અને વીડિયો ક્લિપ જેવા મજબૂત પુરાવા હોવા છતાં પોલીસ તેનું નામ FIR માં દાખલ કરતા અચકાઈ રહી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા.
સમાજના આગેવાનોએ વધુમાં રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પકડાયેલા અન્ય આરોપીઓના રિમાન્ડ પણ પૂર્ણ થઈ ગયા છે. આમ છતાં, SIT દ્વારા હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે પૂછપરછમાં શું બહાર આવ્યું? મુખ્ય આરોપી કોના રક્ષણ હેઠળ છે અને તેની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે અંગે પણ તંત્ર મૌન સેવી રહ્યું છે, જેના કારણે પીડિત પક્ષ અને સમાજમાં અન્યાયની લાગણી પ્રસરી છે.
બેઠકના અંતે પાલીતાણા તાલુકાના કોળી સમાજના તમામ સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યોએ એકસૂરે ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે, જો આગામી દિવસોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે અને Navneet Baldhiyaને યોગ્ય ન્યાય નહીં મળે, તો તેઓ પોતાના હોદ્દા પરથી સામૂહિક રાજીનામા આપી દેશે. કોળી સમાજની આ ચિમકીને કારણે સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *