ભાજપના ફોર્મ ભરવાના બે કલાક પહેલા વોર્ડ નં.7ના ઉમેદવાર શૈલેષ જાનીને કાપી નેહલ શુક્લને ટિકિટ આપી દેવાઇ, કાર્યકરોમાં સોંપો
કશ્યપ શુક્લએ છેલ્લી ઘડી સુધી ભાઇ માટે લડી લીધુ, પહેલાં મેન્ડેટ પછી જ બીજી વાત !
રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ આંતરીક અસંતોષ વચ્ચે વોર્ડ નં.7ના ઉમેદવાર શૈલેષ જાનીને કાપી છેલ્લી ઘડીએ પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલને ટિકિટ આપી દેવાઇ હતી.
સવારે ઉમેદવારી પત્રકો ભરતા પૂર્વે બહુમાળી ભવન ચોકમાં યોજાયેલ ભાજપના વિજય વિશ્ર્વાસ સંમેલનમાં વોર્ડ નં.7ના ઉમેદવાર શૈલેષ જાનીના સ્થાને નેહલ શુકલને ટિકિટ આપવાની જાહેરાત થતા સોંપો પડી ગયો હતો. આ જાહેરાત બાદ શૈલેષ જાની સ્ટેજ પરથી ઉતરી રવાના થઇ ગયા હતા.
ભાજપમાં થતી ચર્ચા મુજબ નેહલ શુકલની ટિકિટ માટે તેના મોટાભાઇ કશ્યપ શુકલે દિલ્હી સુધી ટેલીફોનીક રજુઆતો કરી હતી અને છેલ્લી ઘડીએ ભાઇ માટે ટિકીટ લાવવામાં સફળ રહ્યા હતા. સુત્રોના કહેવા મુજબ કશ્યપ શુકલને નેહલનું ફોર્મ ભરાવી દેવા અને પાછળથી મેન્ડેટ મળી જશે તેવું જણાવાયું હતું.
પરંતુ કશ્યપ શુકલ એ પહેલા મેન્ડેટ પછી જ ફોર્મ ભરવાની જદ પકડી રાખી મેન્ડેટ પણ મેળવ્યો હતો અને પછી જ ફોર્મ ભરાવ્યું હતું.
