જામનગરમાં વેજ પાસ્તામાં નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ: હોટેલે ભૂલ સ્વીકારી, ફૂડ વિભાગે દંડ ફટકાર્યો

જામનગરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી મારફતે મંગાવાયેલા વેજ પાસ્તામાંથી નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ બાદ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોટેલ…

જામનગરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી મારફતે મંગાવાયેલા વેજ પાસ્તામાંથી નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ બાદ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોટેલ મેનેજમેન્ટે ભૂલ સ્વીકારી ગ્રાહકની માફી માગી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ન્યૂ જામનગર વિસ્તારમાં રહેતા એક ગ્રાહકે ઝોમેટો મારફતે દિગજમ સર્કલ નજીક આવેલી લેમન ટ્રી હોટલમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો. જમવા દરમિયાન પાસ્તામાંથી નોનવેજના ટુકડા જેવા પદાર્થ જોવા મળતાં ગ્રાહકે આશ્ચર્ય વ્યક્ત કરી સંબંધિત તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મળતા જ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને હોટલના રસોડા સહિતની વ્યવસ્થાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોટેલ મેનેજમેન્ટે વેજ પાસ્તાના બદલે ભૂલથી નોનવેજ પાસ્તો મોકલાઈ ગયો હોવાનું સ્વીકાર્યું હતું અને ગ્રાહક પાસે માફી પણ માગી હતી.

ફૂડ વિભાગના અધિકારીઓએ સંબંધિત ખાદ્ય પદાર્થ અંગે તપાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ હોટેલ સંચાલક દ્વારા પોતાની ભૂલ સ્વીકારતાં સ્થળ પર જ રૂ. 10,000નો દંડ ભરપાઈ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ફૂડ શાખા દ્વારા હોટલમાં વેજ અને નોનવેજ ખાદ્ય પદાર્થોની અલગ વ્યવસ્થા, ફૂડ હેન્ડલિંગ પ્રક્રિયા, સ્વચ્છતા અને ગુણવત્તા સંબંધિત મુદ્દાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *