બનાસકાંઠાના થરાદમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન રાજકીય આગાહી થતા ચર્ચાઓ જાગી છે. ડુવા ગામે યોજાયેલી રમેલમાં ભુવાજીએ કોંગ્રેસના આગેવાન માંગીલાલ પટેલને 2027માં ધારાસભ્ય તરીકે વિજેતા બનાવવાનું ’વેણ’ આપ્યું છે. જોકે, આ આગાહી વાયરલ થતા જ માંગીલાલ પટેલે પક્ષની શિસ્ત અને લોકશાહી ઢબને પ્રાધાન્ય આપતું નિવેદન જાહેર કર્યું છે.
થરાદના ડુવા ગામે મારવાડી પટેલ સમાજના ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. આ દરમિયાન ગોગા મહારાજના ભુવાજીએ મારવાડી સમાજના આગેવાન અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલને લઈને મોટી ભવિષ્યવાણી કરી હતી. ભુવાજીએ ભર સભામાં જણાવ્યું હતું કે, “2027માં ધારાસભ્યની ટિકિટ લઈને આવજો, અને જો 11,000 મતોથી ના જીતાડું તો મને ગોગા મહારાજ ના કહેતા!” આ આગાહીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂૂ થયા છે.
માંગીલાલ પટેલ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અત્યંત નજીકના ગણાય છે અને મારવાડી પટેલ સમાજમાં તેમનો ભારે દબદબો છે. ભુવાજીની આ આગાહી બાદ જ્યારે વિવાદ વધ્યો, ત્યારે માંગીલાલ પટેલે ખૂબ જ સમજદારીપૂર્વક પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, “હું તે કાર્યક્રમમાં હાજર હતો, પરંતુ મને આવી કોઈ આગાહી થવાની છે તેનો ખ્યાલ નહોતો. હું 2002થી પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું અને ટિકિટ આપવાનો નિર્ણય પક્ષના હાઈકમાન્ડનો હોય છે.”
