લ્યો બોલો!!! એડમિશન ન મળતા વિદ્યાર્થીએ IIT કાનપુરની વેબસાઇટ કરી હેક

  દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા IIT કાનપુરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. B.Tech સાયબર સિક્યોરિટી કોર્સમાં પ્રવેશ ન મળતા એક વિદ્યાર્થીએ સંસ્થાની વેબસાઇટ હેક…

 

દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા IIT કાનપુરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. B.Tech સાયબર સિક્યોરિટી કોર્સમાં પ્રવેશ ન મળતા એક વિદ્યાર્થીએ સંસ્થાની વેબસાઇટ હેક કરી અને હોમપેજ પર “Site is Hacked, All I Need is Just a Fair Chance” એવો સંદેશ મૂકી પોતાની સાયબર સિક્યોરિટી કૌશલ્યનો દાવો કર્યો. ત્યારબાદ તેણે X અને Reddit પર સ્ક્રીનશોટ શેર કરીને પોતાની પ્રતિભાને તક આપવાની અપીલ કરી. કાનૂની કાર્યવાહી કરવાને બદલે, સંસ્થાના ડિરેક્ટર, પ્રો. મનિન્દ્ર અગ્રવાલે વિદ્યાર્થીના ભવિષ્યને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો.

આ સમગ્ર ઘટનાને લઈને IIT કાનપુરના ડિરેક્ટર પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે પ્રવેશ પ્રક્રિયા પહેલેથી જ પૂર્ણ થઈ ચૂકી હોવાથી વિદ્યાર્થીને તાત્કાલિક પ્રવેશ આપવો શક્ય નથી. તેમ છતાં, વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે નહીં તે માટે સંસ્થાએ માનવતાભર્યો નિર્ણય લીધો છે.

પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું કે વિદ્યાર્થીને C3iHubમાં ઇન્ટર્નશિપ માટે વિચારવામાં આવી રહ્યો છે, જેથી તે પોતાની પ્રતિભા યોગ્ય અને કાયદેસર રીતે સાબિત કરી શકે. સાથે જ તેમણે કહ્યું કે વિદ્યાર્થી આગામી વર્ષે ફરીથી પ્રવેશ માટે અરજી કરી શકશે.

તેમણે અન્ય વિદ્યાર્થીઓને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો કે તક મેળવવા માટે વેબસાઇટ હેક કરવી અથવા ગેરકાયદેસર રસ્તો અપનાવવો યોગ્ય નથી. સાયબર સિક્યોરિટી ક્ષેત્રમાં કુશળ યુવાનો પોતાનો CV C3iHub સાથે શેર કરી શકે છે, જ્યાં ઇન્ટર્નશિપ અથવા નોકરી માટે તેમની યોગ્યતા મુજબ વિચાર કરવામાં આવશે.

પ્રોફેસર અગ્રવાલના જણાવ્યા અનુસાર, B.Tech સાયબર સિક્યોરિટી પ્રવેશ પ્રક્રિયા દરમિયાન હેકાથોન દ્વારા પોતાની પ્રતિભા સાબિત કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ આ વિદ્યાર્થી તેમાં સફળ રહ્યો નહોતો. ત્યારબાદ તેણે વેબસાઇટ હેક કરીને પોતાની ક્ષમતા દર્શાવવાનો પ્રયાસ કર્યો.

શરૂઆતમાં વિદ્યાર્થી સામે FIR નોંધાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ સંસ્થાએ કાનૂની કાર્યવાહી કરતાં પહેલાં વિદ્યાર્થીના દાવા અને ટેકનિકલ કુશળતાની ચકાસણી કરવાનો નિર્ણય લીધો. અગાઉ પણ CBSE પોર્ટલની ખામીઓ ઉજાગર કરનાર એક સિક્યોરિટી રિસર્ચરને IIT કાનપુરના C3iHubમાં કામ કરવાની તક આપવામાં આવી હતી.

હાલ આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને સાથે જ સાયબર સિક્યોરિટી ક્ષેત્રમાં પ્રતિભા તથા કાયદેસર પ્રક્રિયાના મહત્વ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *