ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં એક આશાસ્પદ વિદ્યાર્થી પોતાની મોટરસાયકલમાં પેટ્રોલ ભરાવવા જતા હાઈવે પર એસ.ટી. બસના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના લીંબડાર ગામના વતની અને હાલમાં સિહોર શહેરમાં શર્મા પાર્ક સોસાયટીમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા યુવરાજ વિજયજી ચૌહાણ ઉં. વ. 18 તેમજ તેઓના સંબંધી ધૈર્યરાજ બંને મોટરસાયકલ લઈને ગુંદાળા વિસ્તાર પાસે આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયેલ હોય તે દરમિયાન ત્યાંથી પસાર થતી એસ.ટી. બસ નં. જી.જે. 18 ઝેડ 9805 ના ચાલકે બસને બેફીકરાઈ રીતે અને પૂરઝડપે ચલાવી મોટરસાયકલને અડફેટે લેતા યુવરાજનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલ ધૈર્યરાજને કોઈ ઈજાઓ પહોંચી ન હતી.
આ બનાવ બનતા ઘડીકભર ટ્રાફીક જામ થઈ ગયો હતો અને તાત્કાલિક સિહોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયેલ અને મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે મરણ જનારના સંબંધી કેયુરજી નરેશજી ભટ્ટીએ એસ.ટી. બસના ચાલક વિરૂૂદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ હતી.
