માલિયાસણની મારૂતિ પેટ્રોલિયમ પેઢીના માલિકને 51 લાખનો દંડ ફટકારતા કલેક્ટર

રાજકોટમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. વર્ષ 2021માં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પકડી પાડવામાં…

રાજકોટમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. વર્ષ 2021માં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પકડી પાડવામાં આવેલા બે અલગ-અલગ મોટા કેસમાં નામદાર કોર્ટના આદેશ બાદ રિમાન્ડ કેસની સુનાવણી કરતા જિલ્લા કલેક્ટરે દાખલારૂૂપ અને આકરો હુકમ કર્યો છે. આ બંને કેસમાં કુલ 1,25,000 લિટર જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી રાજ્યસાત કરવામાં આવ્યું છે. અને એક પેઢીના માલિકને 51 લાખ રૂૂપિયાનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 17/08/2021ના રોજ ચોક્કસ બાતમીના આધારે તત્કાલીન જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે રાજકોટના માલિયાસણ ખાતે આવેલી ’મારૂૂતિ પેટ્રોલિયમ’ નામની પેઢીમાં આકસ્મિક તપાસ કરી હતી. જ્યાં અનઅધિકૃત રીતે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ થતું હોવાનું ખૂલતાં કુલ 1,05,000 લિટર જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 ની કલમ-6(એ) હેઠળ જિલ્લા કલેક્ટર સમક્ષ કેસ ચાલતા આ જથ્થો રાજ્યસાત કરવા આદેશ કરાયો હતો. જેની સામે પેઢીના માલિક ભરતભાઈ વશરામભાઇ રામાણીએ અપીલ કરતા કોર્ટે કેસ ફેર નિર્ણય માટે કલેક્ટરને રિમાન્ડ કર્યો હતો. તાજેતરમાં આ રિમાન્ડ કેસ ચાલતા કલેક્ટરશ્રીએ પોતાનો આકરો નિર્ણય જાળવી રાખીને માલિક ભરતભાઈ રામાણી વિરુદ્ધ હુકમ કરી સીઝ કરાયેલો સંપૂર્ણ 1,05,000 લિટર જથ્થો રાજ્યસાત કરવાનો આદેશ કર્યો છે. આ જ દિવસે એટલે કે 17/08/2021ના રોજ તત્કાલીન પુરવઠા અધિકારીની ટીમે ધમલપર ખાતે આવેલી ’બજરંગ ટ્રેડિંગ’ નામની પેઢીમાં પણ દરોડા પાડ્યા હતા. અહીં પણ મોટા પાયે ગેરરીતિ જણાતા 1,05,000 લિટર પેટ્રોલિયમ પ્રવાહી સીઝ કરી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ કેસમાં પણ શરૂૂઆતમાં કલેક્ટરે સંપૂર્ણ જથ્થો રાજ્યસાત કરવા આદેશ કર્યો હતો, જેની સામે પેઢીના માલિક દિપેશભાઇ હસમુખભાઇ મહેતા દ્વારા અપીલ કરાતા કોર્ટે કલેક્ટરને ફેર નિર્ણય માટે કેસ રિમાન્ડ કર્યો હતો. કલેક્ટર સમક્ષ રિમાન્ડ કેસની સુનાવણી પૂર્ણ થતાં, સીઝ કરાયેલા 1,05,000 લિટર જથ્થામાંથી 20,000 લિટર જથ્થો રાજ્યસાત કરવાનો હુકમ કરાયો છે. જ્યારે બાકીના 85,000 લિટર જથ્થાની કુલ કિંમત ગણીને પેઢીના માલિક દિપેશભાઇ મહેતાને રૂૂ. 51,00,000/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *