રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં આજે પણ ઠંડીએ સપાટોબોલાવ્યો છે. અને આજે નલિયા-રાજકોટ-અમરેલી-કચ્છ સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવ જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા સુસવાટા મારતા પવનોના કારણે જનજીવન ઠીંગરાઈ ગયું છે અને લોકો ઘરો-ઓફિસોની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.
બીજી તરફ આવતીકાલથી ગુજરાત-રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વાઝડી સાથે કમોસમી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. જેના પગલે માર્કેટ યાર્ડો અને ખેડુતોને પણ સાવચેત રહેવા સુચના અપાઈ છે.
ગુજરાતમાં 26થી 28 ડિસેમ્બર દરમિયાન ચક્રવાત થવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ટ્રફ, સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય રહેશે. દક્ષિણ રાજસ્થાનમાં પણ સિંધુ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રહેશે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે જણાવ્યું હતું કે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યો છે. આજે હવામાન શુષ્ક રહેશે. તે પછી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વરસાદની સાથે કરા પણ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 ડિસેમ્બરને ગુરુવારથી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.જ્યારે 27મીએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, પંચમહાલ, ભરૂૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત અને વલસાડમાં વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 28મી ડિસેમ્બરે સૌરાષ્ટ્રના તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
