કોચિંગ કલાસીસ ‘શૈક્ષણિક સંસ્થા’ નથી, 18 ટકા GST લાગે

ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગનો ચૂકાદો, જીએસટીમાંથી મુક્તિ ફગાવી ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂૂલિંગએ એક મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 5 થી 12…

ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગનો ચૂકાદો, જીએસટીમાંથી મુક્તિ ફગાવી

ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂૂલિંગએ એક મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા કોચિંગ ક્લાસીસને જીએસટીમાંથી મુક્તિ મળી શકશે નહીં. સુરત સ્થિત ’ફ્રેન્ડ્સ ક્લાસીસ’ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા ઓથોરિટીએ જણાવ્યું હતું કે આવા ક્લાસીસ જીએસટી માળખા હેઠળ ’શૈક્ષણિક સંસ્થા’ ની વ્યાખ્યામાં આવતા નથી, તેથી તેમની સેવાઓ પર 18 ટકા જીએસટી લાગુ થશે.

સુરતના અડાજણ વિસ્તારમાં 1984 થી કાર્યરત ફ્રેન્ડ્સ ક્લાસીસના પ્રોપ્રાઈટર સંજયકુમાર ઈશ્વરલાલ સાદાદીવાલાએ ઓથોરિટી સમક્ષ અરજી કરી હતી. તેમની દલીલ હતી કે તેઓ જીએસઈબીઅને સીબીએસઈ અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને તેમનું શૈક્ષણિક પ્રદર્શન સુધારવામાં મદદ કરે છે. ધોરણ 12 સુધીનું શિક્ષણ એ મૂળભૂત અધિકાર હોવાથી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના હિતમાં ટ્યુશન ફી પર જીએસટી ન હોવો જોઈએ તેવી માંગ તેમણે કરી હતી.

સીજીએસટી સભ્ય વિશાલ મલાણી અને એસજીએસટી સભ્ય સુષમા વોરાની બેન્ચે આ મામલે જીએસટી નોટિફિકેશન નંબર 12/2017 ની કલમ 2(વાય) ની તપાસ કરી હતી. ઓથોરિટીએ અવલોકન કર્યું કે ’શૈક્ષણિક સંસ્થા’ ની વ્યાખ્યામાં માત્ર પ્રી-સ્કૂલ, હાયર સેક્ધડરી સ્કૂલ અથવા જે સંસ્થા કાયદેસરની ડિગ્રી કે માન્ય વોકેશનલ કોર્સ ચલાવતી હોય તેનો જ સમાવેશ થાય છે. કોચિંગ ક્લાસીસ દ્વારા અપાતું શિક્ષણ એ ’પૂરક શિક્ષણ’ (Supplementary Education)છે, જે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં મદદ કરે છે, પરંતુ તે પોતે કોઈ કાયદેસરની માન્યતા ધરાવતી લાયકાત કે ડિગ્રી આપતી સંસ્થા નથી.એએઆર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે ફ્રેન્ડ્સ ક્લાસીસની સેવાઓ ’કોમર્શિયલ ટ્રેનિંગ એન્ડ કોચિંગ સર્વિસીસ’(SAC 999293)હેઠળ આવે છે.

આથી, તેના પર 18 ટકા જીએસટી લાગુ પડશે, જેમાં 9 ટકા સીજીએસટી અને 9 ટકા એસજીએસટીનો સમાવેશ થાય છે. આ ચુકાદાને પગલે હવે રાજ્યમાં ચાલતા તમામ ખાનગી ટ્યુશન ક્લાસીસ માટે જીએસટી મુક્તિની આશા પર પાણી ફરી વળ્યું છે. પૂરક શિક્ષણ આપતી સંસ્થાઓ માટે હવે 18 ટકા ટેક્સનું ભારણ અનિવાર્ય બન્યું છે. આ કેસમાં અરજદાર તરફથી સીએ ભાવેશ ડી. સરૈયા હાજર રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *