નવા નગરસેવકોના ફોટોસેશન બાદ ‘સફાઇ લીલા’નો સંકેલો

બે કલાક બાદ ડીઝલ ખાલી થઇ જતા જેસીબી બંધ છતાં પ્રિ-મોનસૂન કામગીરી ટનાટન હોવાનો કાગળ પર રિપોર્ટ ભૂગર્ભ ગટરની સફાઇનું કામ 100 ટકા પૂરુ પણ…

બે કલાક બાદ ડીઝલ ખાલી થઇ જતા જેસીબી બંધ છતાં પ્રિ-મોનસૂન કામગીરી ટનાટન હોવાનો કાગળ પર રિપોર્ટ

ભૂગર્ભ ગટરની સફાઇનું કામ 100 ટકા પૂરુ પણ જમીની વાસ્તવિકતા અલગ, ચોમાસામાં આફત ઉતરવાનો અંદેશો

રાજકોટમાં માત્ર બે થી ત્રણ ઇંચ વરસાદ પડે એટલે શહેરના અનેક વિસ્તારો ટાપુ બની જાય છે. કલાકો સુધી પાણી ઓસરતુ નથી. તેની પાછળનું કારણ એ છે કે, શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ સુવ્યસ્થિત વ્યવસ્થા નથી. વર્ષો પહેલા વોંકળા પહોળા હતા. પરંતુ મનપાની ટીપી શાખાના ભ્રષ્ટ ઓથ હેઠળ વોંકળાઓ ઉપર બાંધકામરૂૂપી કૌભાંડો ખડકાઇ ગયા.

હાલ જે વોંકળા છે તે પણ પ્રિ-મોન્સુન કામગીરીમાં સરખા સાફ થતા નથી. માત્ર કાગળ પર જ પ્રિ-મોન્સુન કામગીરી દેખાડીને વોંકળા સફાઇના નામે લાખો રૂૂપિયાના બીલ બની જાય છે. તાજેતરમાં જ શાસકપક્ષ ભાજપના તમામ નગરસેવકોએ પોતાના વિસ્તારમાં પ્રિ-મોન્સુન કામગીરીનું નિરિક્ષણ કરવા સામુહિક રીતે નિકળ્યા હતા. અભિગમ બેશક સારો હતો. પણ અધિકારીઓએ શાસકોને ઉઠ્ઠા ભણાવ્યા હોય તેમ નગરસેવકોની મુલાકાત વખતે જ માત્ર વોંકળા સફાઇની કામગીરી ચાલુ રાખી હતી. ફોટોસેશન થયા બાદ જેસીબી સહિતની મશીનરી સાથે વોંકળા સફાઇનો સ્ટાફ રવાના થઇ ગયો હોવાની માહિતી મળતા જ ‘ગુજરાત મિરર’ની ટીમે વિવિધ વિસ્તારોમાં વોંકળાની સ્થિતિ જોવા રિયાલિટી ચેક કર્યુ હતુ. એ દરમિયાન મોટા કહી શકાય તેવા માત્ર 4 થી 5 વોંકળા જ સરખા સફાઇ થયા છે.

નવા નગરસેવકોએ ઉત્સાહમાં આવીને વોંકળા સફાઇની કામગીરીનું સામુહિક ફોટોસેશન કરાવ્યુ હતુ અને જેસીબી સાથે ફોટા પડાવ્યા હતા પરંતુ પડદા પાછળની વાસ્તવિકતા એ છે કે, બે કલાક બાદ ડીઝલ ખલાસ થઇ જતાં જેસીબીની સફાઇ લીલા સંકેલી લેવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા ડીઝલ મળતુ ન હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નગરસેવકો આ હક્કિતથી અજાણ હોય તે વાત માની શકાય તેમ નથી. હવે ચોમાસુ ગાજી રહ્યુ છે તેવા સમયે ડીઝલની તંગીના બહાને વોંકળાની સફાઇ સમયસર નહીં થાય તો ચોમાસામાં આફત ઉતરવાનું નક્કી છે.

રાજકોટ મહાપાલિકાને કહેવાતી પ્રિ-મોન્સુન કામગીરી કાગળ પર દેખાડવામા ગોલ્ડ મેડલ દેવો પડે તેમ કહીએ તો પણ કંઇ અતિશયોક્તિ નથી. શહેરમાં નાના-મોટા 40 વોંકળાની સફાઇ થઇ ચુકી હોવાનો ઉઠ્ઠા ભણાવતો અસ્સલ મજાનો રિપોર્ટ તૈયાર કરાયો છે! ચોપડા પર કામગીરી 100 ટકા પુર્ણ થઇ ગઇ હોવાનું દેખાડવામા આવ્યુ છે. ‘ગુજરાત મિરર’એ વાસ્તવિકતા બહાર લાવવા જાત તપાસ કરી હતી. જેમા કેટલાક વોંકળાઓ હજુ પણ ગંદકીથી ભરાયેલા છે. વરસાદી પાણીના વહેણ અટકે એ હદે ગંદકીના ઢગલાં ખડકાયેલા છે.

મનપાની કહેવાતી પ્રિ-મોન્સુન કામગીરીના નર્યા નાટક વચ્ચે ચોમાસામાં શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ જાય, વોંકળા અને ઉભરાયેલી ભૂગર્ભ ગટરની ગંદકી રોડ પર, રહેવાસીઓના મકાનની અંદર ઘુસી જાય તેવી હાલત ન થાય એ જ પ્રભુને પ્રાર્થના કરવાની. મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા અને મેયર મહોદય ડો. નેહલ શુક્લ સહિતના નવા સુકાનીઓ માટે આ વર્ષે ચોમાસમાં સૌથી મોટો પડકાર શહેરીજનોને વરસાદી ગંદકીથી બચાવવા એ બની રહેવાનો છે.

ગત વર્ષમાં ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની, ઉભરાવાની 2 લાખ ફરિયાદ નોંધાઇ હતી
રાજકોટ મનપા છેલ્લાં બે વર્ષથી દેશના શ્રેષ્ઠ સ્વચ્છ શહેરોના સ્વચ્છતા સર્વેક્ષણ રેન્કીંગમાં શા માટે નંબર 1 નથી આવતુ તે વધુ એકવખત સામે આવ્યું છે. ગંદકીની તો થોકબંધ ફરિયાદો આવે જ છે સાથે શહેરને ગોબરુ કરતી ભુગર્ભ ગટર લીકેજની ફરિયાદોનો આંકડો પણ મોટો હોવાનું સામે આવ્યુ છે. શહેરમાં ગત ચોમાસામાં સમગ્ર શહેરની હાલત નરકથી પણ બદતર બની ગઇ હતી. ખાસ કરીને ભૂગર્ભ ગટર ચોકઅપ થવાથી શહેરના માર્ગો પર ગંદા પાણીની નદીઓ વહેતી હતી. મનપાના જ કોલ સેન્ટરના સતાવાર રેકર્ડ મુજબ ગત કેલેન્ડર વર્ષમાં ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની, ઉભરાવવાની 2 લાખથી વધુ ફરિયાદ નોંધાઇ હતી.

63માંથી 57 વોંકળા સંપૂર્ણ સાફ થઇ ગયા, કાગળ પર કામગીરી
પ્રિ-મોન્સુન કામગીરીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કાગળ પર દર્શાવેલી કામગીરી મુજબ શહેરના કુલ 63 વોંકળામાંથી 57 સંપુર્ણ સાફ થઇ ગયાનો દાવો કરવામા આવ્યો છે. દર્શાવેલા આંકડા મુજબ 4018 ટનથી વધુ કચરો નિકળ્યો હોવાનો અહેવાલ તૈયાર કરાયો છે. 533 ડમ્પર અને 112 ટ્રેકટરના ફેરા દ્વારા વોંકળાનો ગાર-કચરો ઉપાડવામા આવ્યો હોવાનો રિપોર્ટ તૈયાર કરાયો છે.

મહિલા કોલેજ, આમ્રપાલી, જનકલ્યાણ, રેલનગર, લક્ષ્મીનગર અન્ડર બ્રિજ બનશે ‘સ્વિમિંગ પૂલ’
રાજકોટની મધ્યેથી જ નીકળતી રેલવે લાઇનમાં પહેલા મહિલા કોલેજ અન્ડરબ્રિજ બન્યો, ચોમસામાં જે હાલત થાય છે એ જોવા છતા રૈયારોડ ફાટકે બુગદા જેવો કહેવાતો અન્ડરબ્રિજ બન્યો અને હવે લક્ષ્મીનગર નાલુ પણ અન્ડરબ્રિજમાં ફેરવાયુ. જનકલ્યાણનું નાલુ પણ આ જ લાઇનમાં આવે છે. એક જ રેલવે લાઇનમાં ચાર-ચાર અન્ડરબ્રિજ આવે છે. એક સાથે ત્રણથી ચાર ઇંચ વરસાદ પડે ત્યાંરે મહિલા કોલેજ બ્રિજના બન્ને છેડે ટ્રાફિક પોલીસ અને ફાયર ફાયટર મુકવા પડે એવી હાલત થઇ જાય છે. કેટલાક જુવાનિયાઓ તો રિતસર ધુબાકા મારવા પહોંચી જાય છે. તંત્ર એવો દાવો કરે છે કે, મહિલા કોલેજ, આમ્રપાલી, લક્ષ્મીનગર અને સાથે રેલનગર અન્ડરબ્રિજમાં ભરાતા પાણીનો નિકાલ કરવા હેવી કેપેસીટીની મોટર અને મશીનરી મુકવામા આવી છે. પણ તંત્રના આ દાવા વચ્ચે ચોમાસામાં કેવી હાલત થઇ જાય છે તેનો નર્કાગાર અનુભવ શહેરીજનોને થાય છે.

વરસાદી પાણી ભરાય ત્યાં બોર બનાવવાના પ્રોજેક્ટનું બાળમરણ બજેટમાં પોણોડઝન સ્થળે બોર બનાવવાનું નક્કી થયું હતું

રેલવે બ્રિજમાં ત્રણ લોકેશન
એસ્ટ્રોન ચોક નજીક
રેસકોર્સના બાલભવન ગેટ પાસે
રૈયા સર્કલ નજીક મોદી સ્કુલની પાછળ આવેલા રાવલનગર
એવરેસ્ટપાર્ક
ક્રિસ્ટલ મોલની સામે વૃષભનગર
વિરાણી ચોક
રૈયા રોડ પર આઝાદ ચોક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *